ભારત અસહિષ્ણુ, દેશમાં ૨૦ કરોડ મુસ્લિમ ડરેલા છે: ધ ઇકોનોમિસ્ટનો દાવો
નવીદિલ્હી, દુનિયાના જાણીતા મેગેઝીન ‘ધ ઈકોનોમિસ્ટ’એ ભારતને અસહિષ્ણુ ગણાવી મોદી સરકારની ટીકા કરી છે. મેગેઝીને કવર પેજ સ્ટોરી કરી છે જેના પર કાંટાના તારની વચ્ચે ભાજપનું ચૂંટણી ચિન્હ કમળનું ફૂલ જોવા મળી રહ્યું છે. તેના પર લખ્યું છે ‘અસહિષ્ણુ’ ભારત. કેવી રીતે મોદી દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાખી રહ્યા છે.
મેગેઝીને નાગરિકતા સુધારણા કાયદો (સીએએ) અને નેશનલ સિટિઝનશીપ રજિસ્ટર (એનઆરસી)ને કારણે ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને પગલે મોદી સરકાર પર નિશાન તાક્યું છે.મેગેઝીનના લેખમાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી અને તેમની પાર્ટી દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યા છે.લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ભાગલા પડાવવાનો આક્ષેપ કરાયો છે.
લેખમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ભારતના ૨૦ કરોડ મુસ્લિમ ભયમાં છે કેમકે વડાપ્રધાન હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં લાગ્યા છે. ૮૦ના દાયકમાં રામ મંદિરના આંદોલનની સાથે નરેન્દ્ર મોદી અને ભાજપને ધર્મ અને રાષ્ટ્રીયતાને આધારે કથિત રીતે વિભાજનથી લાભ થયો છે. એનઆરસી મુદ્દેના આ લેખમાં લખવામાં આવ્યું છે કે, ગેરકાયદે શરણાર્થીઓની ઓળખ કરીને મૂળ ભારતીયો માટે રજિસ્ટર તૈયાર કરવાની પ્રક્રિયાથી ૧૩૦ કરોડ ભારતીય પણ પ્રભાવિત થશે. આ પ્રક્રિયા અનેક વર્ષો સુધી ચાલશે. યાદી તૈયાર થયા બાદ તેને પડકાર અને ફરીથી સુધારાની પ્રક્રિયા પણ ચાલશે.મેગેઝીને લખ્યું છે કે, આવા પ્રકારના મુદ્દાઓને આગળ કરીને અન્ય મુદ્દા જેવા કે, અર્થવ્યવસ્થા વગેરે પરથી પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. ભાજપના વિજય બાદથી જ ભારતની અર્થવ્યવસ્થા પડકારનો સામનો કરી રહી છે.