જાફર એક્સપ્રેસ: બલોચ આતંકવાદીઓએ બંદૂકો સાથે અમારો પીછો કર્યો

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકમાંથી ભાગેલા મુસાફરોની આપવીતી-બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટ્રેનની બારી અને દરવાજા હલી ગયા અને મારી નજીક બેઠેલો મારું બાળક નીચે પડી ગયું હતું.
ઈસ્લામાબાદ, ૧૧ માર્ચની બપોરે, બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આતંકવાદીઓએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના બોલાન પાસના ધાદર વિસ્તારમાં હુમલો કર્યો અને ૪૫૦ મુસાફરોને લઈ જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી. આ ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પાકિસ્તાની સેના આતંકવાદીઓ સામે લાચાર દેખાઈ રહી છે. બલૂચ આતંકવાદીઓ દ્વારા લગભગ ૨૦૦ પ્રવાસીઓને પહાડીઓમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. Jafar Express: Baloch terrorists chased us with guns
આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા ૯ જવાનો શહીદ થયા છે. જવાબમાં સેનાએ ૨૭ આતંકીઓને ઠાર કર્યા છે. બલૂચ આતંકવાદીઓએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વૃદ્ધ નાગરિકો, મહિલાઓ અને બાળકોને છોડી દીધા છે. ટ્રેન હાઈજેકમાંથી બચી ગયેલા મુસાફરોએ આ ભયાનક ઘટનાની આપવીતી શેર કરી છે.
નવ ડબ્બાવાળી ક્વેટા-પેશાવર પેસેન્જર ટ્રેન જાફર એક્સપ્રેસ પર હુમલો થયો ત્યારે તેમાં ૪૦૦થી વધુ મુસાફરો સવાર હતા. પહેલા આતંકવાદીઓએ સુરંગ વિસ્ફોટ કરીને ટ્રેનને રોકી અને તેમાં સવાર લોકોને બંધક બનાવ્યા.
પાકિસ્તાની સૈન્ય સૂત્રોનું કહેવું છે કે બુધવારે સવાર સુધી ૧૫૫ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે મીડિયાને જારી કરેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે વૃદ્ધ નાગરિકો, મહિલાઓ અને બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. ટ્રેનમાં બાકીના મુસાફરો વિશે હજુ પણ કોઈ પુષ્ટિ થઈ નથી. આતંકવાદીઓની ચુંગાલમાંથી છટકી ગયેલા મુસાફરોએ પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતા કહ્યું કે આતંકવાદીઓએ અમને બંદૂકની અણી પર છોડી દીધા.
મુશ્તાક મુહમ્મદ નામના એક મુસાફરે મીડિયા સાથે વાતચીત કરતી વખતે કહ્યું હતું કે, આતંકવાદીઓએ અમને કહ્યું કે તેઓ મહિલાઓ, બાળકો અને વૃદ્ધ મુસાફરોને મુક્ત કરી રહ્યા છે. પાછળ વળીને જોશો નહીં. અહીંથી દૂર જાઓ. બીજી તરફ, ગૃહ રાજ્ય મંત્રી તલાલ ચૌધરીએ કહ્યું કે, ઉગ્રવાદીઓ ઘણા પ્રવાસીઓને તેમની સાથે પર્વતો પર લઈ ગયા છે.
મુશ્તાક મુહમ્મદે ટ્રેન હાઇજેક વિષે જણાવ્યું હતું કે, હુમલાની શરૂઆત મોટા બ્લાસ્ટ સાથે થઈ હતી.
ત્યારબાદ ગોળીબાર શરૂ થયો. એક કલાક સુધી ફાયરિંગ ચાલુ રહ્યું. આ ફાયરિંગ દરમિયાન એક એવું દ્રશ્ય હતું જે ક્્યારેય ભૂલી શકાતું નથી. હાઈજેક કરનાર લોકો એકબીજા સાથે બલોચીમાં વાતચીત કરી રહ્યા હતા. તેમના નેતા વારંવાર તેમને કહી રહ્યા હતા કે, સુરક્ષા કર્મચારીઓ પર ખાસ નજર રાખો, આ હાથમાંથી બહાર ન જવું જોઈએ.
આ જ ટ્રેનમાં ઈશાક નૂર નામના મુસાફર તેની પત્ની અને બે બાળકો સાથે ક્વેટાથી રાવલપિંડી જઈ રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટ્રેનની બારી અને દરવાજા હલી ગયા અને મારી નજીક બેઠેલો મારું બાળક નીચે પડી ગયું હતું.
મુસાફરોનું કહેવું છે કે, જ્યારે ગોળીબાર બંધ થયો, ત્યારે કેટલાક માણસો હથિયારો લઈને બોગીમાં ઘૂસી ગયા અને કેટલાક લોકોના આઇકાર્ડ તપાસવાનું શરૂ કર્યું અને તેમાંથી કેટલાકને લોકોને અલગ કરવા લાગ્યા. ત્રણ આતંકવાદીઓ અમારી ગાડીના દરવાજાની રક્ષા કરી રહ્યા હતા. તેઓએ અમને કહ્યું કે અમે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, વૃદ્ધો અને બલૂચ લોકોને નુકસાન પહોચાડીશું નહીં.
ઇશાક નૂર નામના પેસેન્જરનું કહેવું છે કે, મને લાગે છે કે તેઓએ અમારા કોચમાંથી ઓછામાં ઓછા ૧૧ મુસાફરોને ઉતાર્યા અને કહ્યું કે અમે સુરક્ષા કર્મચારી છીએ. જ્યારે એક વ્યક્તિએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને હિંસક રીતે નીચે ફેંકી દેવામાં આવ્યો અને પછી ગોળીબારનો અવાજ સંભળાયો. તે પછી, ટ્રેનમાં બેસેલા બધાએ તેની સૂચનાઓનું પાલન કર્યું.
મુહમ્મદ અશરફના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ વૃદ્ધો, નાગરિકો, મહિલાઓ અને બાળકોને જવા દીધા અને પછી સાંજે નજીકના રેલ્વે સ્ટેશન પનીર તરફ કૂચ કરી. તેણે કહ્યું, અમે ત્રણથી ચાર કલાકમાં ઘણી મુશ્કેલી સાથે સ્ટેશન પર પહોંચ્યા, કારણ કે અમે થાકેલા હતા અને અમારી સાથે બાળકો, યુવતીઓ અને મહિલાઓ પણ હતી. મુસાફરોમાં ઘણો ડર હતો, તે કયામતના દિવસનું દ્રશ્ય હતું.