Western Times News

Gujarati News

ગુજરાત સરકાર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ સ્વાયત્ત બનાવશે?

સ્થાપનાના ૭૭ વર્ષ પછી આ કોલેજને હવે ગુજરાત સરકાર સ્વાયત્ત કરવાનું વિચારી રહી છે ખરી!

ગુજરાત રાજ્યની ૧૫મી વિધાનસભાનું ૬ઠ્ઠુ સત્ર ચાલી રહ્યું છે. તા.૧૧/૦૩/ ૨૫ના દિવસે પ્રશ્નોતરી સમયે વેજલપુરના ધારાસભ્ય અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય રહી ચૂકેલા અમિત ઠાકરે શિક્ષણ મંત્રીને એવો સવાલ પૂછ્યો હતો કે

શું સરકાર ગુજરાતની સૌથી જૂની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજને સ્વાયત્ત બનાવવા માંગે છે કે કેમ?તેના પ્રત્યુત્તરમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં વિચારી રહી છે.

Will the Gujarat government make LD Engineering College autonomous?

આનો અર્થ એ થયો કે ગુજરાત સરકાર કદાચ ભવિષ્યમાં એલ.ડી?.એન્જિનિયરિંગ કોલેજને સ્વાયત્તતા બક્ષે પણ ખરી! આ લાલભાઈ દલપતરામ ઈજનેરી મહાવિદ્યાલયની સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈએ ૧૯૪૮માં કરી હતી અને તેને પોતાના પિતાનું નામ આપ્યું હતું.

સ્થાપનાના ૭૭ વર્ષ પછી આ કોલેજને હવે ગુજરાત સરકાર સ્વાયત્ત કરવાનું વિચારી રહી છે ખરી! અલબત્ત, ‘હજુ તો છાસ છાગોળે ભેંસ ભાગોળે અને ઘરમાં ધમાધમ’ જેવી સ્થિતિ ગણાય હોં!

અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમારની પ્રશંસા કરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આજકાલ વિધાનસભામાં શાસક પક્ષના ધારાસભ્યોને શિસ્તમાં રાખવા કડક હાથે કામ લે છે. આ ઉપરાંત વિરોધ પક્ષના ધારાસભ્યોની પ્રશંસા અને રક્ષા કરવાનું પણ ચૂકતા નથી.

ગત તા.૧૨મી માર્ચે ધારાસભ્ય અમિત ઠાકર પ્રશ્નોતરી સમયે પ્રશ્ન પૂછતી વખતે લાંબી પૂર્વભૂમિકા બાંધતા હતા ત્યારે શંકર ચૌધરીએ તેઓને સીધાં પ્રશ્ન પર આવી જઈને મુદ્દાસર સવાલ પૂછવા સૂચવ્યું હતું.એ પછી અમૂલ ભટ્ટે પ્રશ્નકાળ ઉભા થઈને ભળતું જ કંઈક બોલતા અધ્યક્ષે તેમને પણ કડકાઈથી ટપાર્યા હતાં.

એ પછી અધ્યક્ષ શંકર ચૌધરીએ ભા.જ.પ.ના ધારાસભ્યોને સ્પષ્ટ શબ્દોમાં શીખ આપીને કહ્યું હતું કે ‘પ્રશ્ન કેવી રીતે પૂછાય એ (કોંગ્રેસના) ધારાસભ્ય શૈલેષ પરમાર પાસેથી શીખો.

શૈલેષ મનુભાઈ પરમાર અતિ ટૂંકા અને મુદ્દાસરના સવાલો પૂછે છે.’ શંકર ચૌધરીની આ તટસ્થતા વજુભાઈ વાળાની યાદ અપાવે છે.વજુભાઈ પણ અધ્યક્ષ તરીકે નિષ્પક્ષ રીતે વર્તતા હતા સત્તાધારી પક્ષના ધારાસભ્યો સાથે જરૂર પડ્‌યે કડકાઈથી કામ પણ લેતા હતા.

 

બી.એચ.તલાટીને થયેલો અન્યાય (ખૂબ) લાંબા સમય બાદ દૂર થયો!

સામાન્ય વહીવટ વિભાગના તા.૧૦/૦૩/૨૫ના નોટીફીકેશનથી(અને સીંગલ ઓર્ડરથી)ગુજરાતની આઈ.એ.એસ.કેડરના ૨૦૧૦ની બેચના સિનિયર અધિકારી બી.એચ.તલાટીની બદલી ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન તરીકે કરવામાં આવી છે.

મુંબઈના વતની, મૂળ ગુજરાત કેડરના અને સિવિલ એન્જિનિયરિંગની ડીગ્રી ધરાવતા તલાટી એક તેજસ્વી અને વિચક્ષણ અધિકારી છે. સુંદર વહીવટી ક્ષમતા ધરાવતા બિપિન તલાટી વહીવટમાં માનવિય અભિગમ પણ રાખે છે.કમનસીબી એ છે કે સરકાર તેઓને છેલ્લા કેટલાક વર્ષોથી સાઈડ પોસ્ટિંગ જ આપ્યા કરતી હતી.આ ઓર્ડરથી બી.એચ.તલાટીને થયેલો અન્યાય (ખૂબ) લાંબા સમય બાદ દૂર થયો છે એવું લાગે છે.

તખ્તાના કલાકારો વિધાનસભામાં મોટા કલાકારોને મળવા આવ્યા!
ગત તા.૧૦/૨૦૨૫ના દિવસે લોકકલ્યાણના ખ્યાતનામ કલાકારો ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, જિજ્ઞેશ કવિરાજ, રાજભા ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે વગેરે સહિતના એકાદ ડઝન લોકકલાના કલાકારોને ગુજરાત વિધાનસભાની મુલાકાતે લાવવામાં આવ્યા હતા. આ મુલાકાતની ‘ઉડીને આંખે વળગે’ એવી વાત એ છે (૧)આ કલાકારોને પ્રશ્નોતરીનો પૂરો એક કલાક પ્રેક્ષક ગેલેરીમાં બેસવા દેવાયા હતા.

જ્યારે અન્ય સામાન્ય નાગરિકને માત્ર ૧૫ મિનિટ બેસવા દેવાય છે!(૨) કલાકારો જે પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા તેમાં અન્ય સામાન્ય પ્રેક્ષકોને પ્રવેશ અપાયો નહોતો (૩)આ કલાકારો પ્રેક્ષક ગેલેરીમાં બેઠા છે તેનો ઉલ્લેખ વિધાનસભામાં ૫-૬ સભ્યો દ્વારા વારાફરતી કરાયો હતો

(૪)પ્રેક્ષક ગેલેરીમાં બેસનારને અંદરોઅંદર વાતો કરવાની કે હલનચલન કરવાની છૂટ નથી હોતી, તેમાંથી આ કલાકારોને મુક્તિ આપવામાં આવી હતી અને(૫) આ કલાકારો આવ્યા અને પ્રશ્નોતરી પૂર્ણ થયા બાદ બહાર નીકળ્યા ત્યારે તેઓનું વિડિયો રેર્કોડિંગ કરવામાં આવ્યું હતું.આ મુલાકાત અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એવી નુકતેચીની કરી હતી કે ‘તખ્તાના કલાકારો વિધાનસભાના મોટા કલાકારોને મળવા આવ્યા છે!’

એ.બી.ગોરની મુખ્યમંત્રીનાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે પૂનઃ નિયુક્તિ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યાલયમાં નિવૃતિ પછી ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા ગુજરાત રાજ્યની આઈ.એ.એસ. કેડરની ૨૦૦૯ની બેચના અધિકારી એ.બી.ગોરની મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં આગામી તા.૩૧માર્ચ,૨૦૨૬ સુધી પૂનઃ નિયુક્તિ કરવામાં આવી છે.

મુખમંત્રીના કાર્યાલયમાં નિયુક્તિ પામતા પહેલા વડોદરા કલેકટર તરીકે ફરજ બજાવનાર અને હરણી બોટ કાંડ વખતે સરકારને ઉપયોગી થાય તેવી અગત્યની ભૂમિકા ભજવનાર ગોર અગાઉ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી તેઓનાં અનુભવનો ઉપયોગ કરવા માટે તેઓની સેવાઓ મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં ચાલુ રખાઇ હોવાનું કહેવાય છે. એ.બી.ગોર સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દાવડ ગામના વતની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.