પાકિસ્તાન શાંતિના પ્રયાસનો જવાબ દગાથી આપે છેઃ પીએમ

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના જાણીતા પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે ઉપવાસ જેવી અંગત બાબતથી માંડીને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે નિકટતા સહિત અનેક મુદ્દે મનની વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કલાકના આ પોડકાસ્ટમાં ભારત-પાકિસ્તાન સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી.
મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે શાંતિ અને સૌહાર્દ માટે જેટલી પણ વખત હાથ લંબાવ્યા છે, તેટલી વખત માત્ર દગો અને નફરત મળ્યા છે. બંને દેશના સંબંધ સુધારવાની સદબુદ્ધિ ક્યારેક તો ઈસ્લામાબાદના શાસકોને મળશે, તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન પદે શપથ વિધિ સમારોહમાં તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ખાસ આમંત્રણ આપ્યુ હતું.બંને દેશના સંબંધોમાં નવો અધ્યાય શરૂ થવાની આશા હતી. જો કે શાંતિ માટેના દરેક પ્રયાસના જવાબમાં દગો અને નફરત મળ્યા છે.
પાકિસ્તાનના લોકોને પણ શાંતિથી રહેવાની ઈચ્છા હશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મોદીએ કહ્યું હતું કે, અરાજકતા, હિંસા અને અસ્થિરતાથી તેઓ પણ થાકી ગયા હશે. અવિરત ચાલી રહેલા આતંકવાદે મહિલા-બાળકોને પણ છોડ્યા નથી. દ્વિપક્ષી સંબંધ સુધારવાનો પ્રથમ પ્રયાસ શુભેચ્છા સ્વરૂપે હતો. મોદીએ કહ્યુ હતું કે, અગાઉના દાયકાઓથી વિપરિત અલગ પ્રકારનું રાજદ્વારી કદમ હતું.
વિદેશ નીતીમાં મારા અભિગમ સામે સવાલ ઊઠાવનારા લોકોએ જ્યારે જાણ્યું કે મેં સાર્ક રાષ્ટ્રના તમામ વડાને આમંત્રણ આપ્યું છે, ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું કે, હું અને ટ્રમ્પ પરસ્પર વિશ્વાસના તાંતણે જોડાયેલા છીએ. અમે બંને રાષ્ટ્રહિત સર્વાેપરીના સિદ્ધાંતને માનીએ છીએ. ટ્રમ્પ સાહસિક વ્યક્તિ છે અને પોતાના નિર્ણયો જાતે લે છે.
તેઓ અમેરિકાને સમર્પિત છે અને ગત વર્ષે પ્રચાર અભિયાન દરમિયાન બંદૂકધારીએ ગોળી મારી ત્યારે પણ તેમનું સમર્પણ ડગ્યુ ન હતું. રશિયા-યુક્રેન યુદ્ધ સંદર્ભે મોદીએ કહ્યું હતું કે, યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. બંને દેશ મંત્રણાઓમાં જોડાશે ત્યારે જ આ સંઘર્ષનો વિરામ થશે.
ભારતને તટસ્થ દેશ ગણાવવાના બદલે મોદીએ શાંતિના સમર્થક રાષ્ટ્ર તરીકે ઓળખાવ્યુ હતું. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથેના સારા સંબંધોનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, તેમણે રશિયાને વિનંતી કરી હતી કે, યુદ્ધમાં સમસ્યાનો ઉકેલ નથી.SS1MS