ભાજપ શાસનમાં શિક્ષણનું પ્રમાણ ખુબ કથળ્યુઃ કોંગ્રેસ
કુલપતિની નિમણૂંકમાં ગેરરીતિ અને યુજીસીના નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન થઇ રહ્યું છેઃ મનિષ દોશીએ કરેલા પ્રહારો
અમદાવાદ, ભાજપ સરકારના શાસનમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીઓમાં રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક, લાયબ્રેરીયન, ફિઝીકલ એજ્યુકેશન ડીરેક્ટર અને મોટા પાયે અધ્યાપકોની જગ્યાઓ ખાલી પુરતુ મર્યાદિત રહ્યું નથી.
પરંતુ હવે કુલપતિ વિના યુનિવર્સિટીમાં છેલ્લા બાર મહિના અને વીસ દિવસથી કચ્છ યુનિવર્સિટી ચાલી રહી છે.
ત્યારે વિદ્યાસંકુલ જેમાં ગુજરાતના ૨૨૦૦૦ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડાય છે તેવી યુનિવર્સિટીઓમાં કુલપતિ પસંદગી પ્રક્રિયામાં દેખીતી રીતે ગેરરીતિ અને યુજીસીના ધારાધોરણનું ઉલ્લંઘન પર આકરા પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસ નેતા અને શિક્ષણવિદ ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૧૫ વર્ષ જુની, ૪૬ કોલેજો સાથે સંલગ્ન કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણુંકમાં ગેરરીતિ અને યુજીસીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ પસંદગીમાં વ્હાલા – દવલાની નીતિને કારણે થઈ રહેલા વિલંબનો ભોગ ૨૨૦૦૦ વિદ્યાર્થીઓ બની રહ્યાં છે. ઉચ્ચ શિક્ષણ માટે ધારાધોરણ નક્કી કરતી યુજીસીના નિયમોનું સદ્દંતર ઉલ્લંઘન કરી સર્ચ કમીટી દ્વારા આપવામાં આવેલ નામોમાં મળતિયાઓનું નામ અથવા તો પસંદગીનું નામ ન આવતા સમગ્ર કુલપતિ પસંદગી પ્રક્રિયા રદ કરી જે સ્પષ્ટ દર્શાવે છે કે, પસંદગી પ્રક્રિયા માત્ર દેખાવ પુરતી હતી. કુલપતિની પસંદગી માટેના તમામ કોમ્યુનિકેશન એ વાઈસ ચાન્સલરના પીએ દ્વારા કરવામાં આવ્યું હતુ.
જે યુનિવર્સિટીના ધારાધોરણનું સંપૂર્ણપણે ઉલ્લંઘન અને ગંભીર બેદરકારી છે. મહામહિમ રાજ્યપાલ દ્વારા તા. ૦૯-૦૮-૨૦૧૮ ના રોજ સર્ચ કમીટીની નિમણુંક કરવામાં આવી. કચ્છ યુનિવર્સિટી માટેના કુલપતિ સર્ચ કમીટીની મીટીંગ તા. ૨૯-૦૮-૨૦૧૮ થી તા. ૧૯-૦૩-૨૦૧૯ એમ ચાર વખત થયા બાદ પણ સમગ્ર પસંદગી પ્રક્રિયા કેમ રદ કરવામાં આવી તેવો સવાલ કરતા ગુજરાત કોંગ્રેસ નેતા અને શિક્ષણવિદ ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કુલપતિ પસંદગી પ્રક્રિયામાં સરકારની સતત દખલગીરી સર્ચ કમીટી અને નિમણુંક પ્રક્રિયાની સ્વાયતતા પર સવાલ ઉભા કરે છે.
ઈન્ચાર્જ કુલપતિ, રજીસ્ટ્રાર અને અધ્યાપકો ન હોવાને કારણે યુનિવર્સિટીનું શૈક્ષણિક-ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રેસમાં સતત ગીરાવટ – અધોગતિ થઈ છે તેમ યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર દ્વારા કહેવામાં આવ્યું જે સુચવે છે કે, ભાજપ સરકાર સારા નહી પણ મારા કુલપતિને પસંદ કરવાની કવાયત કરી હતી. કચ્છ યુનિવર્સિટીમાં ૧૨ મહિનાથી વધુ કુલપતિની નિમણુંક ન થવાને કારણે વહિવટી કામગીરી દિશાવિહીન અને યુવાનોનું શૈક્ષણિક કાર્ય કથળ્યું છે.