ડબ્બા ટ્રેડીંગનો ‘બેતાજ બાદશાહ’ મેઘ શાહ મુંબઈમાં રહેતો હતો

બંધ ફલેટમાંથી 95 કિલો સોનું (અંદાજિત ૮૪ કરોડ) અને 60 લાખ રૂપિયાનો જથ્થો મળ્યો-મેઘ શાહ બજાર બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર
અમદાવાદ, અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં દરોડો પાડી એટીએસ અને ડીઆરઆઈએ અંદાજે ૯૫.૫ કિલો સોનું અને ૬૦ લાખથી વધુની રોકડ જપ્ત કરાતાં ખળભળાટ મચ્યો છે.
બંને એજન્સીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતાં આ મસમોટો મુદ્દામાલ મળ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે. સોનું અને રોકડ મળી અંદાજિત ૮૪ કરોડ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. હાલ બંને એજન્સી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને ફ્લેટ નીચે પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ફ્લેટની માલિકી કલોલની એક મહિલાની માલિકીનો હોવાનું ભાડે આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હર્ષદ મહેતાની માફક શેરબજારમાં નાની સ્ક્રીપ્ટનો અપડાઉન કરતો મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો. એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી અંદાજિત 84 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક બંધ ફ્લેટમાં લોકોની અવરજવર રહેતી હોવાની એજન્સીઓને બાતમી મળતાં અમદાવાદ એટીએસ અને ડીઆરઆઈની ટીમે ૧૬ માર્ચની રાત્રિથી ફ્લેટ પર દરોડો પાડ્યો હતો.
બંને એજન્સીને ફ્લેટ પરથી અંદાજિત ૯૫.૫ કિલો સોનું અને ૬૦ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી છે. આવિષ્કાર એપાર્મેન્ટમાં આવેલો ફ્લેટ નંબર ૧૦૪ કલોલની મહિલાની માલિકીનો છે. જે હાલ ભાડા પર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયાએ આ ફ્લેટ ભાડા પર રાખ્યો હતો. ફ્લેટમાં અજાણી વ્યકિત દરરોજ એક બેગ લઈને અવરજવર કરતી હોવાની વિગતો પણ સામે આવી છે.
બંને એજન્સીને ફ્લેટમાંથી જે ૯૫.૫ કિલો સોનું મળ્યું છે તેની કિંમત અને અન્ય રોકડ રકમ મળી અંદાજિત ૮૪ કરોડ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. હાલ ફ્લેટની નીચે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં સોનું અને રોકડ રકમ મળી આવતા એજન્સીઓ દ્વારા પૈસા ગણવા માટે મશીન અને સોનાનું વજન કરવા માટે વજન કાંટો મંગાવવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી. સર્ચ ઓપરેશનને લઈને ડબ્બા ટ્રેડિંગ કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન લાખોની રોકડ અને ૯પ.પ કિલો સોનું મળી આવતા એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. રોકડ અને સોનું કયાંથી આવ્યું તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
મોડે સુધી દરોડાની કાર્યવાહી ચાલી હતી. એટીએસ અને ડીઆરઆઈની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ દરોડાના પગલે શહેરના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ વિવિધ અટકળો વહેતી થઈ છે. ફલેટમાં મોટા પ્રમાણમાં સોનું છુપાવ્યું હોવાની બાતમી મળતાં એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. જે બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.