સોસાયટીઓ નીચાણમાં આવી ગઈ હોય તેવા રોડ ખોદી લેવલ ઘટાડાશે

File Photo
ચોમાસાનું આગોતરૂ આયોજનઃરોડ રિસરફેસની કામગીરી ઝડપથી હાથ ધરાશે
(એજન્સી)અમદાવાદ, શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી સતત રોડ રીસરફેસ કરવાનાં કારણે અનેક રહેણાંક સોસાયટીઓ તેમજ ભોયરાવાળા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં નીચાણમાં આવી ગયાં છે. અને તેમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કમીશ્નરે રોડ ખોદીને એટલે કે મીલીગ કરીને લેવલ ઘટાડવાની સુચના આપી છે.
શહેરભરમાં અનેક રોડ પર વર્ષોથી સતત ડામર પાથરતા રહેવાનાં કારણે રોડની ઉચાઈ વધી જવા પામી છે. અને આસપાસની સોસાયટીઓ વગેરે નીચાણમાં આવી ગયાં છે. તેના કારણે ચોમાસા દરમ્યાન સોસાયયટીઓમાંથી વરસાદ પાણી રોડપર વહેવાને બદે હવે રોડ પરથી વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઈ જાય છે. અને તેના કારણે અનેક સોસાયટીનાં મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતાં નાગરીકોની સ્થાવર જંગમ મીલકતને નુકશાન થતું હોય છે.
તેવી જ રીતે નવા સમવાયેલા વિસ્તારોમાં અગાઉ ભોયરામાં દુકાનો સાથેનાં કોમર્શીયલ કોમપ્લેક્ષ બનાવાયેલા છે. તેમાં પણ આ પ્રકારની સમસ્યા સર્જાય છે. અને વેપારીઓને લાખોનું નુકશાન થાય છે.
કમીશ્નર બંછાનીધી પાનીએ શહેરની આ સમસ્યાને ધ્યાને લઈ જયાં જયાં રોડની ઉંચાઈ વધી ગઈ હોય અને સોસાયટી વગેરે નીચાણમાં આવી ગઈ હોય ત્યાં રોડ ખોદીને સોસાયટીથી નીચા લેવલે અથવા સમાંતર લેવલે કરવાની સુચના આપી છે.
તેવી માહિતી આપતાં સુત્રોએ કહયું કે, ચોમાસામાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કમીશ્નરે અત્યારથી જ આયોજન કરવા ઈજનેર ખાતાને તાકીદ કરી આપી દીધી છે.
કમીશ્નરે તમામ ઝોન અને પ્રોજેકટના ઈજનેર અધિકારીઓને હોળીનો તહેવાર પુરો થઈ ગયો હોઈ હવે રોડ રીસરફેસની કામગીરી ઝડપથી શરૂ કરાવવાની તાકીદ કરતાં એવી પણ ટકોર કરી હતી કે, હજુય અનેક વિસ્તારોમાં પેચવર્કનાં કામો બાકી છે. ચોમાસામાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાનાં કારણે રોડ પર ખાડા પડતાં હોય છે.
તેનો પણ સર્વે કરીને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા તેમજ ભુવા પડવાની શકયતાવાળા રોડ માટે પણ અત્યારથી એકશન પ્લાન બનાવવાની સુચના આપવામાં આવી છે. તદઉપરાંત વરસાદી પાણીનો નિકાલ તળાવમાં થાય તે પ્રકારનું આયોજન કરવા તથા કયા કયા વિસ્તારોમાં હજુ કેટલાં કિલોમીટરની ડ્રેનેજ લાઈન કે સ્ટોર્મ વોટર લાઈન બાકી છે તેનો ડેટા તૈયાર કરવાની સુચના આપી છે.