૩૧ માર્ચ સુધીમાં મિલકતો જાહેર ન કરનાર સરકારી કર્મચારીનો પગાર કપાશે

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે ગુરૂવારે એક પરિપત્ર જાહેર કરી પોતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોગ સૂચના આપી છે કે તેઓએ પોતાની તમામ સ્થાવર-જંગમ મિલકતોનો હિસાબ સરકારના કર્મયોગી પોર્ટલ પર ૩૧ માર્ચ સુધીમાં ભરી દેવાની રહેશે.
જો કોઈ કર્મચારી કે અધિકારી આમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમને આવતા એપ્રિલ મહિનામાં ચૂકવાતો માર્ચ મહિનાનો પગાર નહીં મળે. આ અધિકારીઓ અને કર્મચારીઓએ ૧ જાન્યુઆરી ર૦ર૪થી ૩૧ ડિસેમ્બર ર૦રપ દરમિયાન પોતે અને પરિવાર કેટલી સ્થાવર અને જંગમ સંપત્તિ ધરાવે છે તે જણાવવાનું રહેશે.
આ ઉપરાંત વિભાગે જણાજ્યું છે કે, ૩૧ માર્ચ પછી પણ જ્યાં સુધી કર્મચારી કે અધિકારી પોતાની મિલકતોની વિગતો પોર્ટલ પર જણાવશે નહીં ત્યાં સુધી તેઓને તેમના પગારની ચૂકવણી થશે નહીં.
આ અગાઉ સરકારે ૭ જાન્યુઆરીએ પરિપત્ર બહાર પાડીને વર્ગ-૩ કર્મચારીઓને જણાવ્યું હતું કે, તેઓએ વર્ગ-૧ અને રના ગેઝેટેડ ઓફિસરોની પેઠે પોતાના મિલકત પત્રક વર્ષાેવર્ષ ભરવાના રહેશે. આ માટે દર વર્ષની જાન્યુઆરી માસની ૩૧ તારીખ આખરી દિવસ ગણાશે. આ પહેલાં માત્ર ગેઝેટેડ ઓફિસરોનેજ આ વિગતો ભરવાની રહેતી હતી પરંતુ ર૮ ફેબ્રુઆરી ર૦ર૪ના દિવસે સરકારે જાહેરનામું બહાર પાડી નિયમમાં સુધારો કર્યો છે.