પ્રિન્ટ મિડિયાનો હજુ પણ દબદબો યથાવત

અખબારોમાં રજા હોય અને બીજા દિવસે છાપુ ન આવે ત્યારે કંઈક ખૂટતા નો અહેસાસ પ્રિન્ટ માધ્યમની લોકપ્રિયતાનું ઉત્તમ ઉદાહરણ-અંદાજે ૪૦ ટકા લોકો સમાચાર માટે અખબારો વાંચવાનું પસંદ કરે છે
(પ્રતિનિધિ) અમદાવાદ, ધૂળેટી પર્વ પૂરો થઈ ગયો, પણ બીજા દિવસે “છાપા બંધ હોય એટલે કંઈક ખૂટતુ હોય તેવુ લગભગ મોટાભાગના લોકોને લાગતુ હશે. પ્રિન્ટ મિડિયામાં વર્ષમાં ૭ રજાઓ આવતી હોય છે. જેમાં અખબાર બંધ હોય છે. એટલે બીજા દિવસે છાપુ પ્રસિધ્ધ થયુ હોતુ નથી.
અખબાર ન આવે એટલે ઘણા વાંચકોને ચેન પડતુ નથી. આજકાલ ટી.વી. ચેનલો, ઓનલાઈન ભલે બધા લોકો સમાચાર જોઈ લેતા હોય પરંતુ ભારત જેવા વિશાળ દેશમાં પ્રિન્ટ મિડિયાને માનનારો વર્ગ છે અખબારો ૭ દિવસ સત્તાવાર રીતે બંધ રહે છે પરંતુ જેમને છાપુ વાંચવાની રૂટિન આદત પડી ગઈ હોય છે તેઓ અખબાર ન જોવે તો આકુળ-વ્યાકુળ થઈ જાય છે.
કેટલાક વાંચકો તો ભૂલી જાય છે. રૂટિન સમયે દરવાજો ખોલીને ફેરિયો છાપુ નાંખી ગયો છે કે નહિ. તે ચેક કરે છે. પછી ખબર પડે છે કે આજે તો છાપુ આવશે નહિ. અમુક વાંચકો તો આગળના દિવસનું અખબાર વાંચે છે. સવારે અખબાર મોડુ આવે તો પણ દરવાજો ખોલીને ચેક કરશે. ક્યાંય આડુ અવળુ છાપુ પડયુ તો નથી ને ? આજના આધુનિક યુગમાં યુવા પેઢી જયારે ઓનલાઈન સમાચારો વાંચે છે ત્યારે અખબારોનો દબદબો હજુ પણ યથાવત છે.
કોરોના સમયમાં અખબારોના સરકયુલેશનને થોડા સમય માટે ફટકો જરૂર પડયો હતો પરંતુ પ્રિન્ટ મિડિયાની ગાડી ફરીથી પાટે ચડીને પૂરપાટ દોડવા લાગી છે તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે દેશમાં હજુ પણ ૩૦ થી ૪૦ ટકા લોકો સમાચાર માટે પ્રિન્ટ મિડિયાને પ્રાધાન્ય આપે છે. અખબારમાં સમાચાર વિગતવાર- પૂરતા આવે છે તેવુ વાંચકો માને છે, અખબારમાં આવતી અલગ-અલગ પૂર્તિઓ હજુ પણ વાંચકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે.
અલગ-મલક સમાચારો વાંચવાની કઈક મજાજ ઓર છે તેથી જ છાપા બંધ હોય ત્યારે બીજા દિવસે છાપુ ન આવે તો વાંચકો બેચેની અનુભવે છે. ઘણા લોકો તો છાપાનાં ખૂણે-ખૂણેના સમાચારો વાંચે છે અખબારોમાં ખૂબ જ વિસ્તારથી માહિતી સાથેના રસપ્રદ સમાચારો આવે છે આજની યુવા પેઢી ઓનલાઈન સમાચાર ભલે વાંચતી હોય, પરંતુ પ્રિન્ટ મિડીયાનો હજુ પણ દબદબો યથાવત રહયો છે તેનો ખ્યાલ અખબારમાં રજા હોય અને બીજા દિવસે “છાપુ” હાથમાં ન આવે ત્યારે આવે છે.