UCC સમિતિના સભ્યોએ વડોદરામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે પરામર્શ બેઠક યોજી જાણ્યા અભિપ્રાય

કલેક્ટર કચેરીમાં સભ્ય શ્રી ગીતાબેન શ્રોફ અને શ્રી દક્ષેશ ઠાકરે સામાજિક, ધાર્મિક અગ્રણીના મંતવ્યો મેળવ્યા –યુસીસીના પોર્ટલ ઉપર વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો પોતાના સૂચનો રજૂ કરી શકે છે
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી રચાયેલી સમિતિના બે સભ્યો શ્રીમતી ગીતાબેન શ્રોફ અને શ્રી દક્ષેશ ઠાકરે આજે વડોદરાની મુલાકાત લઇ શહેરના ધાર્મિક, સામાજિક અગ્રણીઓ તથા બુદ્ધિજીવીઓના પ્રતિભાવો મેળવ્યા હતા અને પરામર્શ કર્યો હતો.
ઉક્ત બેઠકના પ્રારંભે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા સભ્યશ્રી દક્ષેશ ઠાકરે જણાવ્યું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે રચારેલી સમિતિ દ્વારા તમામ જિલ્લાઓની મુલાકાત લઇ તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે પરામર્શ કરી અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે. સાંસ્કૃતિક અને સામાજિક અસ્મિતા જળવાઇ રહે એ માટે સમાન નાગરિક સંહિતામાંથી આદિવાસી સમુદાયને બાકાત રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત સમાન નાગરિક સંહિતા એ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. રાજ્યમાં લગ્ન નોંધણી, છૂટાછેટા, ભરણપોષણ, લીવ ઇન રિલેશનશીપમાં તમામ માટે એકસરખા કાયદો રહે એ માટે નાગરિકો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે.
રાજ્યનો કોઈપણ નાગરિક યુસીસી કાયદા માટે યુસીસી કમિટી, કર્મયોગી ભવન, બ્લોક નંબર – ૧,છઠ્ઠા માળ, સેક્ટર ૧૦- એ, ગાંધીનગર ખાતે પત્ર દ્વારા પોતાના વિચારો મંતવ્યો રજૂ કરી શકાશે. આ ઉપરાંત યુસીસી કાયદાના પોર્ટલ http://uccgujarat.in ઉપર પણ પોતાના સૂચન રજૂ કરી શકશે. વડોદરા જિલ્લાના વધુમાં વધુ નાગરિકો આ કાયદા સંબંધે પોતાના મંતવ્ય રજૂ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
સભ્ય શ્રી ગીતાબેન શ્રોફે ઉપસ્થિતો તમામના અભિપ્રાયો જાણી પરામર્શ કર્યો હતો. પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલે સ્વાગત અને આભારવિધિ પુરવઠા અધિકારી શ્રીમતી ગીતાબેન દેસાઇએ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા,કલેકટર શ્રી અનિલ ધામેલિયા,જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, વિવિધ ધાર્મિક, સામાજિક, સેવાભાવી સંગઠનોના પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કુલપતિઓ, ડીન હાજર રહ્યા હતા.