Western Times News

Gujarati News

કામદારોને લઈને દહેજની કંપનીમાં જતી બસમાં આગ લાગતાં બારીમાંથી કૂદી જીવ બચાવ્યો

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાની દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી હિમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક એકાએક આગ લાગતા કામદારોમાં નાસભાગ મચતા ૪- ૫ કામદારોને ઈજા પહોંચી હતી તો ફાયર વિભાગને જાણ કરતા સ્થળે પહોંચી પાણીનો મારી ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે સદ્દનસીબે આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજની હિમાની કંપનીન કામદારોને બપોરે અંકલેશ્વરથી ટ્રાવેલ્સની બસ લઈને કંપની ઉપર જતી હતી.તે વેળા ભરૂચના દહેગામ નજીક બસમાં એકએક આગ લાગી હતી.જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.આગની જાણ થતાં જ ચાલકે તાત્કાલિક બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી.

ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા જવાનો તાત્કાલિક ફાયર ટેન્ડર લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની જાણ ભરૂચ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને માર્ગને ડાઈવર્ઝન આપી ટ્રાફિક નિયંત્રણની કામગીરી સંભાળી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી કામદારોને લઈને આવતી વેળા જ બસમાં ફોલ્ટ થતો હોવાનું કામદારોએ ડ્રાઈવરને જણાવ્યા છતાં પણ તેને બસ કંપની તરફ લઈ જતો હતો તે વેળા આગની ઘટના બનતા કામદારોએ જીવ બચાવવા બારી માંથી નીચે કૂદતા ૪-૫ કામદારોને નાની મોટી ઈજાઓ થતા કંપની સંચાલકો દોડી આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભરૂચ ખાતે લાવવામાં આવ્યા હતા.

ત્યારે બસના ડ્રાઈવર ની બેદરકારીના કારણે નિર્દોષ કામદારોનો જીવ જાય તો જવાબદાર કોણ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.