ગોધરાની મેશરી નદીમાં કેમિકલયુક્ત ફીણ જોવા મળતા તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરના મધ્યમાંથી વહેતી મેશરી નદીમાં ફરી એકવાર કેમિકલયુક્ત ફીણના ગોટેગોટા જોવા મળ્યાં છે. કેમિકલ્સની કંપનીઓ તેમનો વાયરસ ભરેલો કચરો નદીમાં ઠાલવતા હોવાને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે.
આ સ્થિતિ નવી નથી, વર્ષોથી આ સમસ્યા ચાલતી આવી છે, પરંતુ અનેક રજૂઆતો છતાં પણ જવાબદાર તંત્ર કોઇ પગલા લેતું નથી. સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણપ્રેમીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.
મેશરી નદી શહેર માટે મહત્વપૂર્ણ છે, અને તેમાં સતત કેમિકલ યુક્ત કચરો છોડવામાં આવતા પાણી દુષિત બની રહ્યું છે. ચામડીના રોગ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ પણ ઉદ્ભવી રહી છે.દર વર્ષે ઉદ્યોગો દ્વારા બેફામ કેમિકલ કચરો નદીમાં ઠાલવવામાં આવે છે, જેના પરિણામે ફીણના ગોટેગોટા સર્જાય છે.
નિષ્ક્રિય તંત્ર અને બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, નહીં તો આ પરિસ્થિતિ હજુ વણસતી જશે. સ્થાનિક લોકો અને પર્યાવરણસંસ્થાઓએ તાત્કાલિક ઉકેલ લાવવા માટે સરકારને કાર્યવાહી કરવા માંગ કરી છે.