Western Times News

Gujarati News

વિદેશ મોકલવાના બહાને દહેગામના વેપારી સાથે 20 લાખની છેતરપિંડી

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહેતા અને ઓટો કન્સલ્ટનો વ્યવસાય કરતા વેપારી સાથે લંડન મોકલવાના બહાને રૂ.ર૦.૪૬ લાખની છેતરપીંડી થઈ છે, ત્યારે દહેગામના વેપારીએ ગાંધીનગર સરગાસણ એપલ આવાસ ખાતે રહેતા હસમુખ પટેલ સામે દહેગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ ગાંધીનગરના સરગાસણ એપલ આવાસ સોસાયટીમાં રહેતા હસમુખ હિરજીભાઈ પટેલે દહેગામના ઓટો કન્સલ્ટના વેપારી પંકજકુમારને તેમના પરિવાર સાથે લંડન મોકલવાનું આશ્વાસન આપ્યું હતું. હસમુખે લંડન જવાનો કુલ ખર્ચ ૩ર લાખ રૂપિયા જણાવ્યો હતો. જાન્યુઆરી ર૦ર૩માં લંડન મોકલવાની લાલચ આપી હસમુખે પંકજકુમાર પાસેથી તબક્કાવાર નાણાં પડાવ્યા હતા.

સૌ પ્રથમ પંકજકુમારે ૬.પ૦ લાખ રૂપિયા પાઉન્ડમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સેકટર-૧૧ વ્હાઈટહાઉસ ખાતે ૩.પ૦ લાખ રોકડા અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજો આપ્યા હતા. બાદમાં હસમુખ વિઝાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનો વિશ્વાસ આપી લંડન જતો રહ્યો હતો. છ મહિના સુધી કોઈ જવાબ ન આપતા પંકજકુમારે પૈસા પરત માંગ્યા હતા.

એટલે હસમુખે પંકજકુમારની પત્નીના દસ્તાવેજો પર પ્રક્રિયા કરી હોવાનું જણાવી સ્ક્રીનશોટ મોકલ્યા હતા. મેડિકલ અને પીસીસી માટે વધુ રૂ.ર૬,૮૮૮ લીધા હતા ત્યારબાદ સપ્ટેમ્બર ર૦ર૩માં હસમુખે વધુ ર.૪૯ લાખ પડાવ્યા હતા અને ડિસેમ્બરમાં લંડનથી આવી તેણે પંકજકુમારની પત્નીનો બનાવટી કોલ લેટર બતાવી વધુ રૂ.૭.પ૦ લાખ પડાવ્યા હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.