Western Times News

Gujarati News

ખેડા જિલ્લા પંચાયતના અંદાજે ૬૩૦ આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્‌તની હડતાળ પર

જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીડીઓ ને આવેદન આપ્યું

(પ્રતિનિધિ) નડિયાદ, રાજ્યના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પડતર માંગણીઓ મુદ્દે રાજ્ય વ્યાપી આંદોલન શરૂ કરી રાજ્ય સરકાર સામે બાયો ચઢાવી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ અગાઉ જુદાજુદા જલદ કાર્યક્રમો આપ્યા હતા.

આમ છતાં પણ પડતર માંગણીઓ સંદર્ભે સરકાર કોઈ વિચારણાં નહીં કરતા હવે પંચાયત સેવાના આરોગ્ય કર્મીઓ લડાયક મુડમાં આવી ગયા છે અને આજ ૧૭ માર્ચથી રાજ્યના તમામ પંચાયતના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ છે અને સમગ્ર જિલ્લામાંથી જિલ્લા પંચાયતના અંદાજે ૬૩૦ જેટલા આરોગ્ય કર્મીઓ આ રાજ્ય વ્યાપી હડતાળમાં જોડાયા છે. જેના કારણે આરોગ્યની મહત્વની કામગીરી પર અસર પડી છે.

રાજ્યમાં જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના આરોગ્ય કર્મચારી છેલ્લા કેટલાક દિવસોથી પોતાના પગતર માગણીઓ માટે લડત ચલાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ પોતના પડતર પ્રશ્નો રાજ્ય સરકાર સ્વિકારે તેવી માગણીઓ કરી છે.

આજે રાજ્યના મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી વગેરેને સંબોધીને ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીને આપેલા આ વેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજય પંચાયત વિભાગ, વર્ગ-૩ના આરોગ્યના એમ.પી.એચ.ડબ્લયુ, એફ.એચ.ડબ્લ્યુ, એમ.પી.એચ એસ એફ.એચ.એસ તેમજ ટીએચએસ, ટીએચવી અને જીલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઇઓ-બહેનો ટેકનીકલ કેડર સમાવેશ કરવાની માંગણી છે. અને તે અંગેનો ગ્રેડ-પે, ખાતાકીય પરીક્ષા રદ બાબત તેમજ સ્ટાફનર્સ (પંચાયત) કેડરોના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો મુખ્ય છે.

નોંધનીય છે કે અગાઉ આવેદનપત્ર સહિત રાજ્યના પાટનગર ખાતે આરોગ્ય કર્મચારીઓ એકઠા થઇ દેખાવો કર્યા હતા. આમ છતાં સરકાર દ્વારા માંગણી નહીં સ્વીકારાતા આજથી સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

આ અચોક્કસ મુદતની હડતાળમાં ખેડા જિલ્લા પંચાયતના ૧૦ તાલુકાના આરોગ્ય વિભાગના અંદાજે ૬૩૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ જોડાયા છે. સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટને બાદ કરતાં તમામ સ્ટાફ આ હડતાળમાં જોડાયા છે. હડતાળમાં જોડાવવાના પગલે સર્વેલન્સની કામગીરી, મેલેરિયાની કામગીરી, ટીબીની કામગીરી, નવા સગર્ભાની નોંધણી, ચિકનગુનિયાની કામગીરી પર બ્રેક વાગી છે.

તમામ કામગીરીથી અડગા રહેવાને લીધે આ કામગીરીને અસર પડી રહી છે. ખાસ કરીને બાળકો અને સગર્ભાને રસીકરણની કામગીરી પર વધારે અસર પડશે તેમ જિલ્લાના આ સંઘના અમરભાઈ વાઘેલાએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો સંઘનો નિર્ણય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.