કાર્ડિયાક એરેસ્ટ કેસોમાં ૪૫ ટકા વધારો હીટવેવ-હોટ વેધરથી હૃદય પર વધુ ખતરો

પ્રતિકાત્મક
ગાંધીનગર, ગુજરાતમાં અસામાન્ય ઉંચુ તાપમાન અને તે પણ શરૂઆતના તબક્કે જ રહ્યું છે અને આજે પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે હીટવેવ અને વધુ ગરમ હવામાનથી હૃદય સંબંધી રોગો, ખાસ કરીને જીવલેણ નિવડતા કાર્ડિયાક એરેસ્ટનો ખતરો પણ વધતો હોય છે.
રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સી સેવામાં નોંધાતા કૂલ મૂજબ ઈ.સ. ૨૦૨૩ની સાપેક્ષે ઈ.સ. ૨૦૨૪ના વર્ષમાં કાર્ડિયાક એરેસ્ટના કેસોમાં ૪૫ ટકાનો તોતિંગ ચિંતાજનક વધારો નોંધાયો છે.
ઉનાળામાં અસામાન્ય ઉંંચુ તાપમાન હોય કે હીટવેવ હોય ત્યારે શરીરનું તાપમાન જાળવી રાખવા હૃદયે વધુ લોહીનું પમ્પીંગ કરવું પડે છે, જેથી તે ત્વચા પરથી ગરમીને મુક્ત કરી શકાય. આમ હૃદય પર બોજ વધે છે.
ઉપરાંત ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા સામાન્ય હોય છે જેનાથી હૃદય ઉપર તણાવ વધે છે, કારણ કે પાણી લોહીને નળીઓમાં પહોંચાડવા માટે જરૂરી હોય છે.આ અન્વયે ખાસ કરીને જેઓને પહેલેથી જ હૃદયસંબંધી કોઈ સમસ્યા છે તેને વધુ સચેત રહેવું પડે છે. જેમ શિયાળામાં તીવ્ર ઠંડી હોય ત્યારે પણ લોહીની નળી સંકોચાતા જોખમ વધતું હોય છે તેમ ઉનાળામાં પણ જોખમ વધે છે.
આ ઉપરાંત ગુજરાતમાં યુવાનો સહિત લોકોમાં હૃદયસંબંધી કેસો અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ઈ.સ. ૨૦૨૩માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી એક વર્ષમાં ૧૦,૫૧૭ માત્ર કાર્ડિયાક એરેસ્ટના કેસો નોંધાયા હતા જે ઈ.સ. ૨૦૨૪ના આ સમયમાં ૪૫.૪૫ ટકાના તોતિંગ વધારા સાથે ૧૪,૭૭૩ કેસો નોંધાયા હતા. આ સિલસિલો ઈ.સ. ૨૦૨૫ના વર્ષમાં જારી રહ્યો છે અને ગત બે માસમાં ૩૨૦૧ કાર્ડિયાક એરેસ્ટના કેસો નોંધાયા છે.SS1MS