મહિલા વકીલ અને વ્યાજખોરના ત્રાસથી કંટાળી વૃદ્ધે ફાંસો ખાઇ આપઘાત કર્યો

૧૦ લાખ વ્યાજે લીધા, ૪૭ લાખ ચૂકવ્યા છતાં ૨૫ લાખની માગણી હતી
(એજન્સી)અમદાવાદ, અમરાઇવાડીમાં એક મહિલા વકીલ અને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વૃદ્ધે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ફરિયાદ મુજબ વૃદ્ધને રૂપિયાની જરૂર પડતા દુકાનના કાગળિયા ગિરવી મૂકીને રૂ. ૧૦ લાખ વ્યાજે લીધા હતા. તેની સામે રૂ. ૪૭ લાખ ચૂકવ્યા છતા વધુ રૂ. ૨૫ લાખની માંગણી કરી ટોર્ચર કરવામાં આવતા હતા.
મહિલા વકીલે રૂપિયા લઇને પણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને રૂપિયા પણ પરત આપતી ન હતી. આ અંગે મૃતકના પુત્રે બંને સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રામોલમાં રહેતા યશભાઇ પટેલ સ્ટોકમાર્કેટમાં બ્રોકર તરીકે નોકરી કરે છે. તે પહેલાં ખોખરામાં રાધે મોલમાં પિતાની દુકાનમાં સ્ટોકમાર્કેટનું કામ કરતો હતો. ૮ જુલાઇએ તેમના ૫૩ વર્ષીય પિતા નૂતનકુમારે ખોખરા ઓફિસમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જે-તે સમયે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી ત્યારે મૃતક પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં મૃતક નૂતનભાઇએ રનિત બેદી અને વકીલ દિપાલીબેન શાહના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યુ હતુ. નૂતનકુમારે દુકાનનો દસ્તાવેજ રનિતને કરી આપી તેની પાસેથી રૂ. ૧૦ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે રૂ. ૪૭ લાખ ચૂકવી આપ્યા હતા તેમ છતા રનિતે વધુ રૂ. ૨૫ લાખની માંગણી કરી હતી. તેથી નૂતનકુમારે પોલીસ ફરિયાદ કરી હતી. બાદ સામાધાન થતા રૂ. ૧૪ લાખ આપવાનું નક્કી કર્યુ હતું.
ત્યારે દુકાનનો રિવર્સ દસ્તાવેજ કરાવવા વકીલ દિપાલીબેનને નૂતનકુમારે કુલ રૂ. ૭૬ હજાર આપ્યા હતા. પરંતુ દિપાલીબેને અશાંતધારાની મંજૂરી મળતી નથી જેથી દસ્તાવેજ નહીં થાય તે કહેતા વૃદ્ધે રૂપિયા પરત માગતા ના પાડી હતી.
જેથી રનિતને વાત કરતા વધુ રૂ. ૮ લાખની માગણી કરી હતી. આમ નૂતનકુમારે બંનેને કુલ રૂ. ૬૦ લાખ આપ્યા છતા બંને વધુ રૂપિયાની માંગણી કરીને ટોર્ચર કરતા હતા. તેથી નૂતનકુમારે આપઘાત કર્યો હતો. મૃતક વૃદ્ધના પુત્રે રનિત અને દિપાલી સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.