માંગરોળ પાલિકાની આઠ દુકાન પર થયેલો કબજો ખાલી કરાવાયો

માંગરોળ, માંગરોળ નગરપાલિકાની માલિકીની દુકાનોના ચડતા ભાડાની વસૂલાત તેમજ હરાજી ન થઈ હોય તેવી દુકાનોનો બિન અધિકૃત કબજો અને ઉપયોગ સામે ન.પા.એ ડ્રાઈવ યોજી હતી. વેરા વસૂલાતની કામગીરી અંતર્ગત લાલ આંખ કરી બેથી ત્રણ દુકાનને સીલ મારવામાં આવ્યા હતા.
સ્થળ ઉપર અનેક વેપારીઓએ વેરા ભરપાઈ કરતા ન.પા.ને એકાદ લાખની આવક થઈ હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. માંગરોળ નગર સેવા સદનના ચીફ ઓફિસર આર.ધોળકિયા તથા સ્ટાફે શહેરના નવા બસ સ્ટેન્ડ, કાપડ બજાર, દાણાપીઠ, માત્રીના પુલ સહિતના વિસ્તારોમાં વેરા વસૂલાત તથા ન.પા. શોપિંગ સેન્ટરોની દુકાનોમાં કરવામાં આવેલા ગેરકાયદે કબજા અને વપરાશ અંગે ડ્રાઈવ યોજી હતી.
જેમાં હરાજી ન થઈ હોય તેવી શોપિંગ સેન્ટરની સાતથી આઠ દુકાનોમાં કબજો કરી માલસામાન રાખી ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોછવાનું ધ્યાને આવ્યું હતું જેથી સ્થળ પર જે તે ઈસમોને આ સામાન બહાર કાઢી લેવા જણાવી પાલિકાએ કેટલીક દુકાનોનો કબજો લીધો હતો જ્યારે અમુકને ચેતવણી આપી બે, ત્રણ દિવસમાં ખાલી કરી નાંખવા સૂચના અપાઈ હતી.
આ ઉપરાંત લાંબા સમયથી વેરા બાકી હોય તેવા કોમર્શિયલ એકમોને તાત્કાલિક વેરા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી હતી. વેરા ન ભરનારા લોકો સામે કાર્યવાહીનો સંકેત આપી, ચીફ ઓફિસરે આગામી દિવસોમાં વેરા વસૂલાતની કામગીરી ચાલુ રહેવાનું જણાવ્યુંં હતું.