ઓઢવમાં જવેલર્સના શો રૂમમાં લુંટ કરનાર આરોપીઓ ઝડપાયા
સીસીટીવી કુટેજના આધારે પોલીસનું સફળ ઓપરેશન
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા એક જવેલર્સના શો રૂમમાં મોડી સાંજે સશસ્ત્ર લુંટારુઓએ લાખો રૂપિયાના દાગીનાની લુંટ કરી હતી આ ઘટનાથી સમગ્ર પોલીસતંત્રમાં ચકચાર મચી ગઈ હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાની તપાસ કરવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી અને સીસીટીવી કેમેરાના કુટેજના આધારે આરોપીઓની તપાસ કરતા કેટલીક મહત્વપૂર્ણ વિગતો મળી હતી જેના આધારે પોલીસે ચાર લુંટારુઓની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળી રહયુ છે.
આ અંગેની વિગત એવી છે કે થોડા દિવસ પહેલા શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા જવેલર્સના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં લુંટારુઓ પ્રવેશ્યા હતાં થોડો સમય રેકી કર્યાં બાદ લુંટારુઓએ તીક્ષ્ણ હથિયારો કાઢી શો રૂમમાં કામ કરતા કર્મચારીઓને બાનમાં લીધા હતા આ સમયે એક કર્મચારીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતાં મારામારી પણ થઈ હતી
ઘાતક હથિયારો સાથે આવેલા લુંટારુઓએ સમગ્ર શો રૂમમાં આંતક મચાવ્યો હતો અને લાખો રૂપિયાના સોનાના દાગીના લુંટીને ગણતરીની મીનીટોમાં જ પલાયન થઈ ગયા હતાં ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક વહેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી આરોપીઓને પકડી લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશથી અમદાવાદ ક્રાઈમબ્રાંચ ઉપરાંત અન્ય એજન્સીના અધિકારીઓને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી
ખાસ કરીને તપાસનીશ અધિકારીઓએ જવેલર્સના શો રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવ્યા હતા અને આ કુટેજમાં આરોપીઓના ચહેરા સ્પષ્ટપણે જાવા મળતા હતાં આ માહિતીના આધારે તપાસનીશ અધિકારીઓએ ખાનગીરાહે તપાસ શરૂ કરી દીધી હતી. આરોપીઓના સ્કેચ જાહેર કરી દેવાતા ક્રમશઃ વિગતો મળવા લાગી હતી જેના આધારે આખરે આરોપીઓની ચોક્કસ વિગતો મળી જતાં ગઈકાલે રાત્રે ચાર જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહયું છે અને આ અંગેની સંપૂર્ણ હકીકત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવનાર છે.