ફિનલેન્ડ સતત ૮મા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ, ભારત ૧૧૮મા ક્રમે

નવી દિલ્હી, વિશ્વના સૌથી ખુશહાલ દેશોની વાર્ષિક યાદીમાં ફિનલેન્ડે સતત આઠમાં વર્ષે તેનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ યાદીમાં ભારત ગયા વર્ષના ૧૨૬મા સ્થાનથી આગળ વધીને ૧૧૮મા ક્રમે આવ્યું છે, પરંતુ તે નેપાળ, પાકિસ્તાન, યુક્રેન અને પેલેસ્ટાઇન કરતાં પાછળ છે.
યાદીમાં બીજા ટોચના ચાર દેશોમાં ડેનમાર્ક, આઇસલેન્ડ અને સ્વીડનનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન ફરીથી વિશ્વનો સૌથી નાખુશ દેશ બન્યો હતો અને ૧૪૭મા ક્રમે રહ્યો હતો. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટરે ગુરુવારે જારી કરેલા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ ૨૦૨૫ મુજબ અમેરિકા ૨૪ના સ્થાન સાથે તેના અત્યાર સુધીના નીચા સ્તરે ગબડ્યું છે. ૨૦૧૨માં અમેરિકાનું ૧૧મા સ્થાને હતું.
છેલ્લાં બે દાયકામાં અમેરિકામાં પરિવાર વગર એકલા જમતા લોકોની સંખ્યામાં ૫૩ ટકાનો વધારો થયો છે. રેન્કિંગમાં ટોચના ૨૦ દેશોમાં યુરોપિયન દેશોનું વર્ચસ્વ છે. આ વર્ષે ૧૪૭ દેશોની આ યાદીમાં બ્રિટન ૨૩મા સ્થાને, અમેરિકા ૨૪મા સ્થાને અને ચીન ૬૮મા સ્થાને રહ્યું છે.
યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇન ૧૦૮મા ક્રમે, જ્યારે યુક્રેન ૧૧૧મા ક્રમે રહ્યું હતું. હમાસ સાથેના યુદ્ધ છતાં ઇઝરાયલ ૮મા ક્રમે આવ્યું છે. કોસ્ટા રિકા અને મેક્સિકો પ્રથમ વખત ટોચના ૧૦માં પ્રવેશ્યા છે અને અનુક્રમે ૬ઠ્ઠા અને ૧૦મા ક્રમે રહ્યાં છે. આ યાદીમાં ભારતના પડોશી દેશો નેપાળ ૯૨મા અને પાકિસ્તાન ૧૦૯માં ક્રમે રહ્યાં છે, જે ભારત કરતાં ઘણા આગળ છે. શ્રીલંકા, ૧૩૩મા ક્રમે અને બાંગ્લાદેશ ૧૩૪મા સ્થાને રહ્યું હતું.
આ અભ્યાસ ગેલપ એનાલિટિક્સ ફર્મ અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક સાથે ભાગીદારીમાં કરવામાં આવ્યો હતો, તેમાં લોકોને પોતાના જીવનનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમને શું જવાબ આપ્યો તેના આધારે દેશોને રેન્ક અપાયો હતો.
ગેલપના સીઈઓ જોન ક્લિફ્ટને જણાવ્યું હતું કે ખુશી ફક્ત સંપત્તિ કે વૃદ્ધિ વિશે નથી, તે વિશ્વાસ, લોકો સાથેના જોડાણ અને લોકોના સમર્થન વિશે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આરોગ્ય અને સંપત્તિ ઉપરાંત, ખુશીને પ્રભાવિત કરતા કેટલાક પરિબળો ભ્રામક રીતે સરળ લાગે છે. આ પરિબળોમાં બીજા સાથે ભોજન કરવું, સામાજિક સમર્થન માટે કોઈની પર વિશ્વાસ કરવો અને ઘરના કદનો સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે મેક્સિકો અને યુરોપમાં પરિવારમાં ચારથી પાંચ લોકોની સંખ્યા ખુશીના ઉચ્ચતમ સ્તરનો સંકેત આપે છે. બીજાઓ પર દયાભાવમાં વિશ્વાસ કરવો તે ખુશી સાથે વધુ ગાઢ રીતે જોડાયેલું પરિબળ છે.SS1MS