Western Times News

Gujarati News

અમદાવાદમાં ૨૦ દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના ૨ લાખથી વધુ કેસ

અમદાવાદ, અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક માર્ગાે-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કન્ટેમ્પ્ટ પિટિશન કરી હતી.

જે અંગે ગુજરાત હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને આપેલી કડક ચેતવણી બાદ આખરે ટ્રાફિક વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન સહિતના સત્તાવાળાઓએ ભારે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી રસ્તાઓ-ફુટપાથો પરથી દબાણો દૂર કરી, ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ વસૂલ કરવાની કામગીરી સહિતનું ચિત્ર અદાલત સમક્ષ રજૂ કરાયું હતું.

જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા ૨૦ જ દિવસમાં ૨ લાખથી વધુ કેસો કરી ૧૩.૨૧ કરોડ રૂપિયાથી પણ વધુનો વિક્રમી અને ઐતિહાસિક દંડ વસૂલ્યો હોવાની માહિતી રેકર્ડ પર આવી હતી.

જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે પણ સત્તાવાળાઓની અસરકારક મહેનત અને પરિણામલક્ષી કામગીરીને બિરદાવી તેમના આ પ્રયાસો અને કામગીરી સતત અને અવિરત ચાલુ રાખવા તાકીદ કરી હતી. ટ્રાફિક વિભાગ તરફથી આ કામગીરી સતત કરવામાં આવશે, એવી પણ હૈયાધારણ હાઇકોર્ટને અપાઇ હતી.

આ દરમિયાન ૧૦૯૯ ટ્રાફિક પોલીસ જવાનોએ વાયોલેશન ઓન કેમેરા મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કર્યાે હતો.શહેરમાં નવા ૨૪૯ ટ્રાફિક સીગ્નલ લગાવવામાં આવ્યા છે.

જ્યારે ૧૧૬૯ લારી-ગલ્લા, ૩૫૨ શેડ્‌સ, ૧૯૪૫ સ્ટોલ્સ અને ૭૧૮૧ બીજા પરચૂરણ દબાણો મળી માર્ગાે અને ફુટપાથ પરથી અનઅધિકૃત દબાણો દૂર કરી તે ખુલ્લા કરવામાં આવ્યા છે. સીએનસીડી ડિપાર્ટમેન્ટની ૨૦ ટીમો દ્વારા ૨૪૧ જેટલા રખડતા ઢોરો પકડવામાં આવ્યા છે અને તેને આરએફઆઇડી ટેગ પણ લગાવવામાં આવી છે.

રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્કએ ટ્રાફિક, અમ્યુકો સહિતના સોગંદનામાંઓ મારફતે આંકડાકીય માહિતી અદાલતના ધ્યાન પર મૂકતા જણાવ્યું કે, ‘ટ્રાફિક નિયમોના ભંગ બદલ છેલ્લા ૨૦ દિવસમાં ૨૭-૨-૨૦૨૫થી ૧૮-૩-૨૦૨૫ સુધીમાં કુલ ૨ લાખથી વધુ કેસો કરી કુલ મળી ૧૩ કરોડ, ૨૧ લાખ, ૩૦ હજાર, ૬૫૦ રૂપિયાનો રેકોર્ડબ્રેક દંડ વસૂલવામાં આવ્યો છે. સૌથી વધુ દંડ હેલ્મેટ નહીં પહેરવા બદલ ૧.૦૯,૬૫૧ કેસો કરી ૫,૪૮,૨૫,૫૦૦નો વસૂલવામાં આવ્યો છે.

બીજા ક્રમે રોંગ સાઈડ વાહન ડ્રાઇવીંગ કરતા વાહનચાલકો સામે ૮૧૮૯ કેસો કરી ૧,૬૫,૮૦,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે. ત્રીજા ક્રમે બેફામ અને પૂરપાટઝડપે વાહન હંકારતા લોકો સામે ૬૯૨૨ કેસો કરી ૧,૫૯,૯૦,૯૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે. પાર્કિંગ નિયમના ભંગ બદલ ૨૪ હજારથી વધુ કેસો કરી ૧,૪૧,૭૮,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.