મા-બાપ વિહોણી દત્તક દીકરીઓને મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૧૫ હજારના ચેકનું વિતરણ કરાયું

સમૂહ લગ્ન સમારોહ જેવા આયોજનોથી આજે સમાજમાં સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઊભો થઈ રહ્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
વાઘોડીયા ખાતે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત ૧૧મા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી બન્યા
- વડાપ્રધાનશ્રી એ નારીશક્તિને કેન્દ્ર સ્થાને રાખીને સામાજિક પરિવર્તનનો નવો અધ્યાય રચ્યો છે
- રાજ્ય સરકારે મહિલાઓના જીવનના દરેક તબક્કે મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે
- ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે
વાઘોડીયા ખાતે શ્રી વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૧મા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા અને આ સમારોહમાં જોડાયેલા ૫૦૧ નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવયુગલોને સુખી અને સમૃદ્ધ લગ્નજીવન માટે અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ પ્રકારના સમૂહ લગ્નોત્સવથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’નો મંત્ર સાકાર થાય છે. સમૂહ લગ્નને સમાજની આજના સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, સમૂહ લગ્ન સમારોહના આયોજનથી એ પુરવાર થાય છે કે, આજે સમાજમાં સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઊભો થઈ રહ્યો છે.
તેમણે વધુ ને વધુ લોકો સમૂહ લગ્નોત્સવમાં જોડાય તેવો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આ લગ્નોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ સૌના સાથ, સૌના વિકાસની’ ભાવના અને સમરસતાનો ધ્યેય પણ પાર પાડે છે. આવા સુંદર આયોજનથી ધારાસભ્ય શ્રી વાઘેલાએ એક જન પ્રતિનિધિ તરીકે સામાજિક દાયિત્વનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું. સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ, એકતા, ભાઈચારો અને અવરિત જનસેવાની ભાવના વિકસશે તેમજ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળશે, તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી એ નારીશક્તિને કેન્દ્ર સ્થાને રાખીને સામાજિક પરિવર્તનનો નવો અધ્યાય રચ્યો છે. એમણે ‘બેટી બચાવો, બેટી ભણાવો’ અભિયાન શરૂ કરાવીને દિકરીઓ અને મહિલાઓના સામાજિક, શૈક્ષિણક અને આર્થિક સશક્તિકરણ માટે ઘણી મહત્વપૂર્ણ નીતિઓ અને યોજનાઓ આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે દિકરીઓની બાલ્યાવસ્થાથી વૃદ્ધ અવસ્થા સુધી જીવનના દરેક તબક્કે મદદરૂપ થવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, તેમ જણાવી શ્રી પટેલે દીકરીઓ અને મહિલાઓ માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી આર્થિક મદદ કરતી હોવાનું ઉમેર્યું હતું.
ગુજરાતમાં માત્ર આર્થિક પ્રગતિ જ નથી થઈ, પરંતુ સમાજના તમામ વર્ગોનું પણ ઉત્થાન થયું છે. તેમ જણાવી શ્રી પટેલે ગુજરાતને સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરનારું રાજ્ય ગણાવ્યું હતું. સમૂહ લગ્નોત્સવને પ્રોત્સાહન આપવા માટે સાત ફેરા સમૂહ લગ્ન, પાલક માતા-પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના જેવી યોજનાઓ થકી સરકાર આર્થિક મદદ કરે છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજશક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર ભાર મૂક્યો છે, ત્યારે આપણે સવાશક્તિના સથવારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. વિકસિત ભારત માટે વડાપ્રધાનશ્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે.
આ માટે તેમણે એક પેડ માં કે નામ, કેચ ધ રેઈન અને સ્વચ્છ ભારત જેવા અભિયાનો શરૂ કરાવ્યા છે. આ નવદંપતીઓ અને ઉપસ્થિત સૌ ઉત્સાહપૂર્વક આ અભિયાનોમાં સહભાગી થઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવે તેવી શ્રી પટેલે અભ્યર્થના કરી હતી.
આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય અને શ્રી વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના શાબ્દિક સ્વાગતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરીને વાઘોડિયા તાલુકા અને વાઘોડીયા નગરપાલિકાના વિકાસકાર્યોની વાત કરી હતી.
વાઘોડિયા તાલુકાને નગરપાલિકા બનાવવા સાથે એક વર્ષમાં કુલ રૂ. ૨૫૦ કરોડ કરતા વધુની ગ્રાન્ટ ફાળવવા બદલ તેમણે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મુખ્યમંત્રી શ્રીએ છ માર્ગીય રોડની મંજૂરી, રસ્તાઓ અને ડ્રેનેજ વ્યવસ્થા માટે ફાળવેલી ગ્રાન્ટનો ઉલ્લેખ કર્યો હતો.
વલ્લભાધીશ આચાર્ય શ્રી વ્રજરાજ મહારાજે સમૂહ લગ્નના ભવ્ય, દિવ્ય આયોજન વિશે પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવા સર્વસમાજ સમૂહલગ્નો આજના સમયની તાતી જરૂરિયાત છે. આજે ૧૧મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે, ત્યારે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં શ્રી વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ ૫૧મો સર્વજ્ઞાતિય સમૂહલગ્નનો સંકલ્પ પૂર્ણ કરે તેવી પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી દ્વારા મા-બાપ વિહોણી દત્તક દીકરીઓને મુખ્યમંત્રી શ્રીના હસ્તે રૂ. ૧૫ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઇ શુક્લ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદ ડો. હેમાંગ જોષી, શહેર-જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીશ્રીઓ, સંતગણ, શ્રી વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ તેમજ સાજનમાજન સૌ ઉપસ્થિત રહ્યા હતા.