Western Times News

Gujarati News

ખેડા જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર

રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે ખૂબ જ ઉમદા કામગીરી

(માહિતી)ખેડા, સમગ્ર ભારતને ૨૦૨૫માં ટીબી મુક્ત કરવાનો સંકલ્પ દેશના વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે સરકાર સતત કાર્યરત અને પ્રયત્નશીલ છે. ભારતને ટીબી મુક્ત કરવા માટે પંચાયતના પાયાના એકમ સમાન ગ્રામ પંચાયતને પ્રથમ લક્ષ્યમાં રાખીને તેમની વચ્ચે તંદુરસ્ત હરીફાઈ કરવા માટે કેટલાક એકમો નક્કી કરવામાં આવ્યા છે.

જેવા કે પાછળના વર્ષના કેસોનો સાજા થવાનો દર, ચાલુ વર્ષના શંકાસ્પદ દર્દીનો દર, ચાલુ વર્ષના કેસોની સંખ્યા, દવાની અસરકારકતા ચકાસવી, દર્દીને પોષણ કીટ આપવી અને નિશ્ચય પોષણ યોજનાની સહાય આપવી. આમ, સમગ્ર દેશની તમામ ગામ પંચાયતોમાં ઉપરોક્ત કામગીરી વર્ષ ૨૦૨૩થી ચાલુ કરી દેવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૩ દરમિયાન ખેડા જિલ્લામાં કુલ ત્રણ ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર થઈ હતી જેમાં માતર, મહેમદાબાદ અને ખેડા તાલુકાની એક એક ગ્રામ પંચાયતનો સમાવેશ થતો હતો. વર્ષ ૨૦૨૪માં ખેડા જિલ્લામાં કુલ ૫૭ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે. જેમાં ગત વર્ષની માતર તાલુકાની હૈજરાબાદ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

ગ્રામ પંચાયતને પ્રથમ વર્ષે ટીબી મુક્ત જાહેર કરતા તેને કાંસ્યની ગાંધીજીની મૂર્તિ, બીજા વર્ષે ચાંદીના કલરની અને ત્રીજા વર્ષે સોનાના કલરની મૂર્તિ આપવામાં આવે છે અને ચોથા વર્ષે ગ્રામ પંચાયતને સંપૂર્ણ ટીબી મુક્ત જાહેર કરવામાં આવે છે. ખેડા જિલ્લામાં હૈજરાબાદને ચાંદીના કલરની ગાંધીજીની મૂર્તિ આપવામાં આવશે. જ્યારે અન્ય ૫૬ ગ્રામ પંચાયતને કાંસ્ય કલરની ગાંધીજીની મૂર્તિ વિશ્વ ક્ષય દિવસ એટલે કે ૨૪ માર્ચના દિવસે આપવામાં આવશે.

ખેડામાં ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવાના અભિયાનમાં વહીવટી તંત્ર અને જુદી જુદી સંસ્થાઓએ ઉમદા ફાળો આપેલ છે જેમાં મુખ્યત્વે વડતાલ ધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ દર્દીઓને એક વર્ષ માટે પ્રતિમાસ પોષણ કીટ, અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ૫૦ દર્દીઓને છ માસ માટે, નીગો એગ્રો ઠાસરા દ્વારા ૨૫ દર્દીઓને અને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા ૭૦૦૦ કરતાં વધુ દર્દીઓને છેલ્લા બે વર્ષમાં પોષણ કીટ આપવામાં આવી છે.

ટીબીના દર્દીના નિદાન માટે અને દવાઓની અસરકારકતા માટેની તપાસ માટે દ્ગછછ્‌ મશીનો આઈઓસીએલ કંપની દ્વારા કુલ ત્રણ અને થર્મલ સ્ટેશન વણાકબોરી દ્વારા એક એમ કુલ ચાર મશીનો આપવામાં આવેલ છે. તેના એક મશીનની કિંમત અંદાજે ૧૬,૦૦,૦૦૦ થી વધુ થાય છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના કારણે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના તમામ ટીબીના દર્દીઓને દર માસે પોષણ કીટ આપવાનો એમઓયુ કરવામાં આવેલ છે.

આમ રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે ખૂબ જ ઉમદા કામગીરી કરવામાં આવેલ છે. સમગ્ર ખેડા જિલ્લાને આગામી વર્ષમાં ટીબી મુક્ત કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવા તથા પોષણ મળી રહે તે માટે નિશ્ચય મિત્ર બની સહભાગી થવા માટે જાહેર જનતા અને સમાજના આગેવાનોને વહીવટી તંત્ર દ્વારા આહવાન આપવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી જિલ્લાના ક્ષય કેન્દ્રના ઈ-મેઈલ એડ્રેસ પરથી મેળવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.