કોમેડિયન બ્રહ્માનંદમ પાસે રણબીર અને રજનીકાંત કરતાં વધારે નેટવર્થ

મુંબઈ, ભારતના સૌથી વધુ લોકપ્રિય કોમેડી શોમાં ‘ધ કપિલ શર્મા’ શોનું નામ આવે છે. પોતાના શો, સ્ટેજ કાર્યક્રમો અને ફિલ્મોના કારણે કપિલનું નામ ઘર-ઘરમાં જાણીતું બન્યું છે. કોમેડિયનોમાં સૌથી વધારે જાણીતા કપિલને સંપત્તિના મામલે સાઉથના કોમેડી સ્ટાર બ્રહ્માનંદમે પછડાટ આપી છે.
નેટવર્થની રીતે બ્રહ્માનંદમ રણબીર કપૂર, પ્રભાસ અને રજનીકાંત કરતાં પણ વધારે આગળ છે. જાણીતા તેલુગુ એક્ટર બ્રહ્માનંદને ટોલિવૂડમાં ‘કિંગ ઓફ કોમેડી’ તરીકે ઓળખવામાં આવે છે. કરિયરમાં તેમણે હજારથી વધુ ફિલ્મોમાં રોલ કરેલા છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે.
રિપોટ્ર્સ મુજબ, બ્રહ્માનંદમ પાસે ૬૦ મિલિયન ડોલર એટલે કે રૂ.૫૦૦ કરોડથી વધારેની નેટવર્થ છે. આટલી મોટી સંપત્તિ તેમને દેશમાં સૌથી વધુ ધનિક એક્ટર્સની યાદીમાં સ્થાન અપાવે છે. દેશના કોઈ કોમેડિયન નેટવર્થના મામલે તેમની બરોબરી કરી શકે તેમ નથી.
રણબીર કપૂર (રૂ.૩૫૦ કરોડ), પ્રભાસ (રૂ.૩૦૦ કરોડ) અને રજનીકાંત (રૂ.૪૦૦ કરોડ)ની નેટવર્થ ધરાવે છે. આમ, ટોલિવૂડ અને બોલિવૂડના ટોચના સ્ટાર્સ કરતાં વધારે નેટવર્થ બ્રહ્માનંદમ પાસે છે. કપિલ શર્માની વાત કરીએ તો તેમની નેટવર્થ રૂ.૩૦૦ કરોડ આસપાસ છે.
જ્યારે અન્ય કોઈ કોમેડિયન પાસે રૂ.૧૦૦ કરોડથી વધારેની નેટવર્થ નથી. કોલેજમાં લેક્ચરર તરીકે કરિયર શરૂ કરનારા બ્રહ્માનંદમે ૮૦ના દસકામાં નાટકો અને મિમિક્રીથી શરૂઆત કરી હતી. ૧૯૮૫માં ટીવીના પડદે અને ત્યારબાદ ૧૯૮૭માં ફિલ્મોમાં આગમન કર્યું. ૯૦ના દસકામાં તેલુગુની દરેક બીજી-ત્રીજી ફિલ્મમાં બ્રહ્માનંદમ જોવા મળતાં હતા. તેલુગુ ફિલ્મોમાં તેઓ અનિવાર્ય બની ગયા હતા.
સૌથી વધુ સ્ક્રિન ક્રેડિટ મેળવનારા જીવિત એક્ટર તરીકે ૨૦૧૨માં તેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરાયા હતા. ૬૦ની ઉંમર વટાવ્યા પછી હજુ આજે પણ તેઓ એક્ટિંગમાં સક્રિય છે અને તેમની ફી સાઉથના કોઈ સ્ટાર જેટલી જ હોય છે.
સાઉથની ઈન્ડસ્ટ્રીમાં બ્રહ્માનંદમે પિતા અને પુત્ર બંને સાથે કામ કર્યું હોય તેવા પણ અનેક કિસ્સા છે. એક્ટિંગની સાથે પેઈન્ટિંગ અને ક્લાસિકલ વોકલમાં પણ રસ ધરાવતા બ્રહ્માનંદમને વર્સેટાઈલ એક્ટર તરીકે ઓળખવામાં આવે છે.SS1MS