પૂર્વ તુર્કીમાં ભૂકંપને કારણે ૧૮ લોકોનાં મોત, ૨૦૦થી વધારે ઘાયલ
અંકારા, પૂર્વી તુર્કીમાં શુક્રવારે મોડી રાતે ૬.૮ની તીવ્રતાનાં ભૂકંપના કારણે ૧૮ લોકોનાં મોત તથા ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનાં ઝટકા એટલી તીવ્રતાથી આવ્યો કે કેટલીય બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ. સુરક્ષાદળોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધા છે. ધરાશયી થયેલી બિલ્ડિંગની નીચે હજી લોકો દબાયા હોવાની આશંકા છે. તુર્કીનાં મંત્રી સુલેમાન સોયલૂએ કહ્યું કે, ‘ભૂકંપને કારણે થયેલા નુકસાનનું આંકલન કરવામાં આવશે. મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.’
મહત્વનું છે કે, ભૂકંપના આંચકા તુર્કીનાં પડોશી દેશો ઇરાક, સીરિયા અને લેબેનોનમાં પણ અનુભવાયા હતાં. જોકે, આ દેશોમાંથી નુકશાનનાં કોઇ અહેવાલ સાંપડ્યા નથી.ભૂકંપને કારણે ઘણું જ નુકસાન થયું છે. હજી મૃતકોની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવના રહેલી છે. ત્યારે તુર્કી સરકારે લોકોને ઘીરજ રાખવાની સલાહ આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભૂકંપ રાતે આશરે ૮ કલાક ૫૫ મિનિટે આવ્યો હતો. ભૂકંપમાં ધરાશયી મકાનોની નીચે ફસાયેલા લોકોનાં બચાવમાં ઘણી જ તકલીફ થઇ હતી. કારણ કે બચાવ ટીમોને રાતમાં અંઘારાનો સામનો કરવો પડ્યો હતો.