હા, અમારા 34 સૈનિકોને ઈરાની મિસાઇલથી ઇજા થઇ હતી: અમેરિકા
વૉશિંગ્ટન, અમેરિકાએ પહેલીવાર એ હકીકત સ્વીકારી હતી કે ઇરાને કરેલા મિસાઇલ હુમલામાં અમારા 34 સૈનિકોને ઇજા થઇ હતી. અમેરિકાએ પાંચમી જાન્યુઆરીએ બગદાદ એરપોર્ટ પર હવાઇ હુમલો કરતાં ઇરાની લશ્કરના ટોચના અધિકારી કાસિમ સુલેમાની સહિત આઠ જણ માર્યા ગયા હતા. ત્યારબાદ ઇરાને સતત બગદાદમાં આવેલા અમેરિકા રાજદૂતાવાસ પર મિસાઇલ દ્વારા અને રૉકેટ દ્વારા હુમલા કર્યા હતા. એ સમયે અમેરિકાએ એવું કહ્યે રાખ્યું હતું કે ઇરાની મિસાઇલથી અમને કોઇ નુકસાન કે જાનહાનિ થઇ નથી. પરંતુ હવે પેન્ટાગોને કહ્યું હતું કે 8મી જાન્યુઆરીએ ઇરાને કરેલા મિસાઇલ હુમલામાં અમારા 34 સૈનિકોના મસ્તક પર ઇજા થઇ હતી જેમાંના કેટલાકના મગજ સુધી ઇજા પહોંચી હતી. પહેલાં અમેરિકાએ એેવો દાવો કર્યો હતો કે ઇરાનના હુમલાની પહેલાં અમારા સૈનિકો બંકરમાં ચાલ્યા ગયા હતા.
હવે અમેરિકાએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે અમારા સૈનિકો ઘાયલ થયા હતા. ઇરાને પહેલીવાર રૉકેટ હુમલો કર્યો ત્યારે અ્મેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગંભીર પરિણામોની ધમકી આપી હતી પરંતુ ઇરાન ડર્યું નહોતું અને સતત મિસાઇળ હુમલા ચાલુ રાખ્યા હતા. ઇરાને એક બે નહીં, પૂરી બે ડઝન મિસાઇલો અમેરિકી રાજદૂતાવાસ પર છોડી હતી. જો કે રાજદૂતાવાસને કશું નુકસાન થયું નહોતું કારણ કે મોટા ભાગની મિસાઇલ રાજદૂતાવાસ નજીક પડી હતી. કદાચ ઇરાને પોતે સમજી વિચારીને એ રીતે મિસાઇલ છોડી હતી જે અમેરિકી સૈનિકોમાં ભય સર્જે.