USA ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રની એક મોટી ભૂલ સામે આવી

(એજન્સી)અમેરિકા, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની એક મોટી ભૂલ સામે આવી છે. અહીંના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ બાબતોને લગતી માહિતી ધરાવતા એક ગ્રૂપ ચેટમાં એક પત્રકારને જોડી દીધા. હવે આનો ખુલાસો ખુદ પત્રકારે કર્યો છે.
જેફરી ગોલ્ડબર્ગ ‘ધ એટલાન્ટિક’ મેગેઝિનના એડિટર ઈન ચીફ છે. તેમણે મેગેઝિનની એક કોલમમાં પોતે ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સાથેના ગ્રૂપ ચેટમાં સામેલ હોવાનું જણાવ્યું છે. આ ગ્રૂપ ચેટ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર માઈક વોલ્ટ્ઝે બનાવ્યું હતું.
જેફરી ગોલ્ડબર્ગે ‘ધ એટલાન્ટિક’ના પોતાના ઓપિનિયન સેક્શનમાં જણાવ્યું કે, ‘૧૧ માર્ચ ૨૦૨૫ના રોજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગ્સેથે મેસેજિંગ એપ સિગ્નલના એક ગ્રૂપ ચેટમાં અમેરિકા દ્વારા હૂતી વિદ્રોહીઓ પર કરવામાં આવેલા હુમલા વિશે જાણકારી આપી. મને આ હુમલાની જાણકારી બે કલાક પહેલા જ થઈ ચૂકી હતી. પહેલા મને લાગ્યું કે, કદાચ મને ટ્રેપ કરવા માટે કોઈ પીટ હેગ્સેથની નકલ કરી રહ્યું હોય,
પરંતુ બાદમાં મામલો કંઈક બીજો જ નીકળ્યો.’ જેફરી ગોલ્ડબર્ગે જણાવ્યું કે ‘મને ‘હૂતી પીસી સ્મોલ ગ્રૂપ’ નામના સિગ્નલ ચેટ ગ્રૂપમાં જોડવામાં આવ્યો હતો. તેમાં વિદેશ મંત્રી માર્કો રુબિયો, સીઆઈએ ડિરેક્ટર જોન રેટક્લિફ અને વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સહિત અન્ય અધિકારીઓ સામેલ હતા. તેઓ યુદ્ધ અંગે પોતાનો પ્લાન જાણાવી રહ્યા હતા. મને લાગ્યું કે, પત્રકારોને શરમજનક સ્થિતિમાં મૂકવા માટે મને આ ગ્રૂપમાં જોડવામાં આવ્યો છે.
મને શંકા હતી કે આ ગ્રૂપ ચેટ વાસ્તવિક હોઈ શકે છે. કારણ કે હું વિશ્વાસ નહોતો કરી શકતો કે, અમેરિકાનું રાષ્ટ્રીય સુરક્ષા નેતૃત્વ યુદ્ધની યોજનાઓ માટે સિગ્નલ પર ચેટ કરશે. આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલા બેદરકાર હશે કે ધ એટલાન્ટિકના એડિટર ઈન ચીફને એક ગ્રૂપ ચેટમાં જોડશે
જેમાં વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પણ સામેલ છે.’ ગોલ્ડબર્ગે આગળ જણાવ્યું કે, ગ્રૂપ ચેટમાં હુમલાઓ વિશે ખૂબ જ સંવેદનશીલ વિગતો શેર કરવામાં આવી રહી હતી, જેમ કે હુમલાનો સમય, મુખ્ય ટાર્ગેટ અને હુમલા માટે હથિયારોની તહેનાતી. આ ઉપરાંત યમનમાં કરવામાં આવનારા હુમલા અને તેના ટાર્ગેટ અંગે પણ માહિતી શેર કરવામાં આવી હતી.