Western Times News

Gujarati News

માત્ર અપશબ્દો કે જૂની અદાવત? બાપુનગર હત્યાકાંડમાં તપાસ તેજ

બાપુનગરમાં ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા યુવાનની હત્યા, ચારની ધરપકડ-૧૯ વર્ષીય યુવકની છરીથી હત્યા

(એજન્સી)અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલી માથાકૂટમાં વચ્ચે પડેલા ૧૯ વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે.

હત્યાને લઈને મૃતકના પરિવારજનોએ સ્થાનિક પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપ લગાવ્યા છે, જો કે સ્થાનિક બાપુનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી હિંમત સોલંકી, ભદ્રેશ સોલંકી, ગણપત સોલંકી અને હર્ષદ સોલંકીની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ સહિત અન્ય જયસિંહ સોલંકી નામના આરોપીએ સોમવારે મોડી રાત્રે ૧૯ વર્ષીય યુવકની હત્યાને અંજામ આપ્યો છે.

બાપુનગર વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ બહાર આ ઘટના બની હતી, જેમાં ૧૯ વર્ષના વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી નામના યુવકને છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચીને ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ગુનામાં સામેલ ૪ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે.

મૃતક વિજય શ્રીમાળીના માતા પિતાએ છૂટાછેડા લીધા હતા, જેથી તે પોતાના નાનીના ઘરે મેઘાણીનગર ખાતે રહેતો હતો. તેનું મિત્ર વર્તુળ બાપુનગર વિસ્તારમાં હોય તે દરરોજ રાત્રે કર્ણાવતી એપાર્ટમેન્ટ ખાતે પોતાના મિત્ર પ્રિયેશ વછેટાને મળવા આવતો હતો. સોમવારે રાતના સમયે પ્રિયેશ વછેટા તેના બનેવીની ઓફિસે ગયો હતો અને ત્યાં તેના બનેવી વિજયભાઈ, ભરતભાઈ પરમાર, હાર્દિક રાજપરા,

વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી, ધવલ બારોટ અને વિનોદભાઈ તેની ઓફિસે બેઠા હતા. રાતના સવા બાર વાગ્યા આસપાસ કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતો જયસિંહ છરી લઈને આવ્યો હતો અને પ્રિયેશ વછેટા અને તેના બનેવી વિજયભાઈ સાથે ગાળાગાળી કરી માથાકૂટ કરી હતી.

આ દરમ્યાન મૃતકે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને બૂમાબૂમ થતા હર્ષદ સોલંકી, ભદ્રેશ સોલંકી, હિંમત સોલંકી તેમજ ગણપત સોલંકી ત્યાં આવ્યા હતા. જ્યાં મારા મારી થતા જયસિંહ સોલંકીએ છરીથી વિજય શ્રીમાળીને છાતી પર હુમલો કરતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

ઘટના બાદ પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા, જો કે બાપુનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ૪ આરોપીઓની તેમજ ક્રાઈમ બ્રાન્ચે ૨ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓના રિમાન્ડ મેળવી હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગર પોલીસે તપાસ કરતાં સામે આવ્યું કે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી જયસિંહ સોલંકી અગાઉ રાયોટીંગ જેવા ગુનામાં પકડાઈ ચૂક્યો છે, તેવામાં હવે પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરશે. આ બનાવ અપશબ્દો બોલવાની બાબતમાં જ બન્યો છે કે પછી કોઈ જૂની અદાવત છે તેને લઈને આરોપીઓની તપાસમાં ખુલાસા થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.