દર વર્ષે ૨૫૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને મળે છે શિષ્યવૃત્તિનો લાભ

મારી યોજના, મારી વાત-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના
રાજ્યમાં ૨૯મી માર્ચે યોજાશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા
મારી યોજના પોર્ટલ દ્વારા રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ
રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સહાય માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આગામી તારીખ ૨૯ માર્ચના રોજ રાજ્યમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાનાર છે.
તો ચાલો વિગતવાર જાણીએ આ શિષ્યવૃત્તિ સહાય યોજનાના લાભો, પાત્રતા, અરજી કરવાની રીત, પરીક્ષા સહિતની બાબતો વિશે…
કયા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે ?
- ધોરણ- ૧થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ
- બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ,૨૦૦૯ (આર.ટી.ઇ, એક્ટ 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને કયા લાભો મળે ?
- રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૯થી શરૂ કરીને ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહે છે.
- ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા. ર૨,૦૦૦
- ધોરણ ૧૧ થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા. ર૫,૦૦૦
- સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવીને ધોરણ ૯થી ૧૨નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ નીચે મુજબ મળવાપાત્ર રહે છે..
- ધોરણ ૯થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા. ૬,૦૦૦
- ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા. ૭,૦૦૦
કેટલા વિદ્યાર્થીઓને લાભ મળે
- જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા દ્વારા પસંદ થયેલા ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ સહાય મળે છે.
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી
- જાહેરનામું પ્રસિદ્ધ થયેથી ઓનલાઇન માધ્યમથી આ પરીક્ષા માટે ફોર્મ ભરવાના રહે છે.
પરીક્ષા ફી
- તમામ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા નિઃશુલ્ક છે.
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું માળખું
- આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની(MCQ based) રહે છે.
- પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો હોય છે.
- પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષા હોય છે.
પરીક્ષાનું પરિણામ
- જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવે છે.
યોજનાની માહિતી ક્યાંથી મળશે?
- મારી યોજના ઓનલાઇન પોર્ટલ પરથી રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
- http://mariyojana.gujarat.gov.in/ લિંક પરથી મારી યોજના પોર્ટલ ઍક્સેસ કરીને તમામ યોજનાઓની માહિતી મેળવી શકાય છે.
- આ સિવાય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની વિસ્તૃત માહિતી http://gssyguj.in વેબસાઈટ પરથી તથા પરીક્ષાની વિસ્તૃત માહિતી sebexam.org પરથી પણ મેળવી શકાય છે.