ફેર પ્રાઈઝ શોપ માલિકોએ પડતર પ્રશ્નોને લઈને પુરવઠા અધિકારીને આવેદન આપ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા ફેર પ્રાઈસ શોપ એસોસિએશન દ્વારા કેટલાક પ્રશ્નોના ઉકેલ બાબતે જીલ્લા પુરવઠા અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લા એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર (નીલુભા),ઉપપ્રમુખો પ્રકાશભાઈ પટેલ, દલપતભાઈ મિસ્ત્રી તેમજ મુનાફભાઈ દલાલ અને મહામંત્રી ભારસીંગભાઈ વસાવા સહિત એસોસિએશનના અન્ય હોદ્દેદારો અને
સદસ્યો દ્વારા જીલ્લા પુરવઠા અધિકારીને આપવામાં આવેદનમાં એસોસિએશનના વિવિધ પ્રશ્નો અંતર્ગત જણાવાયું હતું કે દુકાનદારોને માસિક કમિશન તા.૧ લીથી ૫ મી સુધીમાં ચુકવાવું જોઈએ. ગોડાઉન ખાતે તુવેરદાળનો જથ્થો ના હોય તો પણ તેના પૈસા ભરવા દબાણ કરાય છે તે બંધ થવું જોઇએ,૪૫ દિવસની ચેન સમાપ્ત કરીને ૩૦ દિવસની કરવામાં આવે
જેથી મહિનાના અંતે વધેલ જથ્થો બીજા માસમાં લાઈવ જથ્થા તરીકે બતાવી શકાય, રેશનના જથ્થામાં ક્વિન્ટલ દીઠ એક ટકાની ઘટ મળવી જોઈએ, માય રેશન એપ દ્વારા કાર્ડ ધારકોને માહિતી ખોટી પહોંચતી હોઈ દુકાન પર જથ્થો આવ્યો ન હોવા છતાં દુકાન પરથી જથ્થો મળશે એવી માહિતીને લઇને ઘણીવાર કાર્ડ ધારકો અને દુકાનદાર વચ્ચે વિવાદ ઉભો થાય છે
જેથી માય રેશન એપમાં સાચી માહિતી મુકવામાં આવે,ભરૂચ જીલ્લાના જંબુસર વાગરા ભરૂચ ઝઘડિયા તેમજ નેત્રંગ જેવા તાલુકાઓના ઈ પ્રોફાઈલ બરાબર ન હોવાથી વચ્ચેના મહિના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનું કમીશન હજી ચુકવાયું નથી તેથી તાત્કાલિક કમિશન ચુકવાવું જોઈએ, સોફ્ટવેર વારંવાર બંધ થઈ જતું હોઈ તે સરળતાથી ચાલવું જોઈએ,
વેબસાઈટ ખોલવા દુકાનદારની ફિંગર ઉપરાંત ઘરના અન્ય સદસ્યની ફિંગર પણ હોવી જોઈએ જેથી દુકાનદાર બિમાર હોય તેવા સંજોગોમાં પણ વિતરણ ચાલું રહે,લોગીન કર્યા બાદ ૨૦ મિનિટમાં ઓટો લોગઆઉટ થઈ જવાય છે જેમાં સમય મર્યાદા વધારવી જોઈએ,ઘણીવાર કાર્ડ ધારકોના બે વાર ફિંગર લેવામાં આવે છે તેની જગ્યાએ એકજ ફિંગરમાં કુપન નીકળવી જોઈએ વળી કાર્ડ ધારકોને મળવાપાત્ર તુવેરદાળનો જથ્થો દર મહિને અનિયમિત આવતો હોય છે,
જેમાં અમુકવાર પૈસા ભરવા છતાં જથ્થો આવતો નથી અને અમુકવાર નિયત કરતા અડધો જથ્થો આવે છે,તેને લઈને કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે વિવાદ ઉભો થાય છે તેથી તુવેરદાળનો જથ્થો નિયમિત મળવો જોઈએ. એસોસિએશન દ્વારા આવા પડતર અને વણ ઉકલ્યા પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવામાં આવે તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી.