બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝમાં કર્મચારીઓ પગાર વધારો કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા

છેલ્લા ૧૦ વર્ષ કરતા વધુ સમયથી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પૂરતો પગાર વધારો નહીં થતાં હડતાળ પર ઉતર્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર ૨૩ માં બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે જે વિવિધ પ્રકારના બિસ્કીટસ બેકરી આઈટમ તથા કૂકીઝનું ઉત્પાદન કરે છે,
કંપનીના સેકડો કર્મચારીઓ કંપનીમાં અલગ અલગ પાંચ પ્લાન્ટમાં અલગ અલગ સ્થાનો પર ફરજ બજાવે છે જે પૈકી કેટલાક કર્મચારીઓ ગતરોજથી કંપનીના કામથી અળગા રહી હડતાલ પર ઉતર્યા છે કંપની કર્મચારીઓનું કહેવું છે કે અમો છેલ્લા દસ-બાર વર્ષથી કંપનીમાં કામ કરીએ છીએ, દશ બાર વર્ષ પહેલાં જ્યારે અમો કંપનીમાં જોઈન થયા હતા ત્યારે અમારો પગાર ૮ હજારની આસપાસનો હતો આજે દશ બાર વર્ષ પછી અમારા પગારમાં નહિવત વધારો કરી ફક્ત ૧૨ થી ૧૩ હજાર ની આસપાસનો પગાર અમને ચૂકવવામાં આવે છે.
આ બાબતે કર્મચારીઓએ અનેક વખત કંપની સંચાલકોને રજૂઆત કરી હતી પરંતુ તેનો પરિણામ શૂન્ય આવ્યું હતું. હડતાલ પર ઉતરેલા કર્મચારીઓનો આક્ષેપ હતો કે ઝઘડિયા બ્રિટાનિયા પ્લાન્ટ સિવાયની અન્ય બ્રિટાનિયાના પ્લાન્ટમાં ઝઘડિયા પ્લાન્ટ કરતા ડબલ કરતાં વધુ પગાર કર્મચારીઓને ચૂકવવામાં આવે છે અને આમ કરી કંપની સંચાલકો દ્વારા ઝઘડિયા પ્લાન્ટના કર્મચારીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો,
હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ ૩૦ હજાર રૂપિયાના પગારની માંગણી કરી છે જેની સામે કંપની સંચાલકોએ તેમના હાલના પગારમાં ૩ હજાર રૂપિયા જેટલો વધારો કરી આપવાનો જણાવ્યું હતું જે વધારો કર્મચારીઓને મંજૂર નથી તેમ તેમણે જણાવ્યું હતું અને આ પોતાની માંગ માટે તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, લેબર કમિશનર ગાંધીનગર, વડોદરા અને ભરૂચ ને પણ પગાર વધારા બાબતે લેખીતમાં રજૂઆત કરી છે.
આ તરફ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ સામે કંપનીએ કંપનીમાં એક નોટિસ લગાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કંપનીમાં કામ કરતા આશરે ૩૦૦ શ્રમિકો દ્વારા તા.૨૪.૩.૨૫ ના રોજ ની પ્રથમ પાળીથી એક સંપ થઈને અચાનક કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કે મંજૂરી મેળવ્યા સિવાય સવારે ૮ઃ૩૦ કલાકથી કામ કરવાનું બંધ કરી કંપનીના મુખ્ય ગેટ સામે ટોળાશાહી કરી એક સંપ થઈને સંસ્થાનો ઉત્પાદન કાર્ય સદંતર બંધ કરી દીધું છે,
આ ઉપરાંત ફરજ પર કામ કરવા આવતા ઈચ્છુક કર્મચારીઓને પણ ફરજ પર હાજર થવા દીધા નથી, આવા સંજોગોમાં તમોએ જે કામ બંધ કરી સંસ્થાના મુખ્ય પ્રવેશ દ્વાર પણ બેસી ગયા છો તો તે તમારું કૃત્ય ઔદ્યોગિક વિવાદ અધિનિયમ અને સંસ્થાના મંજૂર કરાવેલા હુકમ મુજબ ગેરકાયદેસર ની હડતાલ છે અને અતિગંભીર પ્રકારની ગેરવર્તણૂક છે,
આજે તમે તમામ દ્વારા કંપનીમાં આવતા અધિકારીઓને આવતા જતા ઘેરાવ કરો છો તે પણ ભારતીય દંડ સંહિતા મુજબ શિક્ષાપાત્ર ગુનો બને છે,ગેરકાયદેસરની હડતાલને લીધે સંસ્થાની ઉત્પાદન પ્રક્રિયા બંધ થઈ ગઈ છે અને સંસ્થાને મોટું આર્થિક નુકસાન સાથે સાથે આજની હરિફાઈ યુક્ત બજારમાં એક પ્રમાણમાં પ્રતિષ્ઠા નામ અને માર્કેટ પ્રોડક્ટ ને કલ્પી ન શકાય તેટલું નુકસાન થઈ રહ્યું છે વિગેરે જણાવી તમામને તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવ્યું છે.