નિરાંત વૃદ્ધાશ્રમની મુલાકાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડી પડ્યા

ગોધરા કોમર્સ કોલેજના આચાર્ય અને NSS સ્વયંસેવકોએ નિરાંત વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી
(પ્રતિનિધિ) ગોધરા, સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના NSS તેમજ લો કોલેજ ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ના વાવડી ખાતે આવેલ નિરાંત વૃદ્ધાશ્રમના વડીલો સાથે મુલાકાત કરી એક અનોખી યાદગીરી સાથેનો સુંદર કાર્યક્રમ કર્યો હતો.
લો કોલેજ ગોધરાના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.સતીશ નાગર તથા સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના પ્રોગ્રામ ઓફિસર અને આચાર્ય ડો. અરુણસિંહ સોલંકી સાથે હજજ ના ૫૦ જેટલા સ્વયંસેવકો એ નિરાંત વૃધ્ધાશ્રમની મુલાકાત લઈ વૃદ્ધ માતા- પિતા સમાન ,દાદા- દાદીઓ સાથે ગમ્મત ,મસ્તી, વાતો, જ્ઞાન, ભજન ,ફોટોગ્રાફી સાથે ખુબ સુંદર કાર્ય કર્યું હતું ,
આ પ્રસંગે ક્યારેક વડીલોની આંખમાં આંસુ તો ક્યારેક સ્વયંસેવકોની આંખમાં આંસુ જોવાયા હતા અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
આ પ્રસંગે જે વિદ્યાર્થીઓના મા-બાપ નથી કે દાદા દાદી નથી તેવા વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા, તે જ રીતે નાના નાના ભૂલકા.. જેવા યુવાન બાળકોને જોઈને વૃદ્ધોના નિસ્તેજ ચહેરા પર ચમક આવી ગઈ હતી અને તેમને પણ વિદ્યાર્થીઓ સાથે મન મૂકીને ખૂબ વાતો કરી હતી.
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની એનએસએસ ની દીકરી કુ . હર્ષિતા ચતવાણીએ જણાવ્યું હતું કે એવા તો કેવા હૃદય વગરના દીકરાઓ હશે કે જે ભગવાન સમાન પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હશે… આ પ્રસંગે તમામ વડીલોનું પ્રો. સોલંકી તથા પ્રો. નાગર સાહેબ દ્વારા શાલ ઓઢાડી, સુતરની આંટી થી સન્માન કરી તેમનું મોં મીઠું કરાવી તેમના આશીર્વાદ લીધા હતા. વૃદ્ધાશ્રમના દરેક વૃદ્ધોએ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી આશીર્વાદ આપ્યા હતા.