નર્મદા કેનાલમાં ડૂબતા ભાભીને બચાવવા જતાં દિયર પણ ડૂબ્યોઃ બન્નેનાં મોત

AI Image
હાલોલ તાલુકા આંબા તળાવ ગામે બની ઘટના
ગોધરા, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબા તળાવ ગામે આવેલી નર્મદા કેનાલમાં ડૂબતા ભાભીને બચાવવા જતા દિયર પણ ડૂબી ગયો હોવાની બનેલી ઘટનામાં બન્નેના કરૂણ મોત થયા હતા.
હાલોલ તાલુકાના આંબા તળાવ ગામે નિશાળ ફળિયામાં રહેતા ૩૯ વર્ષીય ગીતાબેન રવજીભાઈ સોલંકી આજે સોમવારે સવારે આંબા તળાવ ગામે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પર કપડા ધોવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક જ તેઓ પગ લપસી જતાં કતેઓ નર્મદા કેનાલના પાણીમાં પડયા હતા. જેમાં તેઓ કેનાલના વહેતા ઉંડા પાણીમાં પડતા તેઓએ બૂમાબૂમ કરતાં તે સમયે ગીતાબેનના ૩ર વર્ષીય દિયર વિજયભાઈ રમણભાઈ સોલંકી કેનાલ નજીકથી પસાર થઈ રહ્યા હતા.
ભાભીને નર્મદા કેનાલના વહેતા પાણીમાં ડૂબતા જોઈ વિજયભાઈ પણ પાણીમાં પડયા હતા. જો કે, પાણીમાં કૂદેલા વિજયભાઈને તરતા ના આવડતા તેઓ પણ વહેતા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્કયુ ટીમને કરવામાં આવી હતી જેમાં બનાવની જાણ થતાં રૂરલ પોલીસ તેમજ ફાયર અને રેસ્કયુની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
જેમાં ફાયર ફાઈટરની ટીમે નર્મદાના વહેતા પાણીમાં ઉતરી બન્ને દેવર ભાભીને પાણીમાંથી શોધવાની તજવીજ હાથ ધરી હતી જેમાં કલાકોની ભારે જહેમત બાદ બપોરે ૧૧થી ૧ર વાગ્યાના સમયગાળા દરમિયાન ફાયર અને રેસ્કયુ ટીમને વિજયભાઈનો મૃતદેહ આંબા તળાવ ખાતે કેનાલમાંથી મળી આવ્યો હતો.
જે બાદ બપોરે ૩ઃ૩૦થી ૪ઃ૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન આંબા તળાવ ખાતે આવેલી કેનાલમાંથી ગીતાબેનનો પગ લપસતા જ્યા પડયા હતા ત્યાંથી થોડે દૂર ગીતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં ફાયર ફાઈટરની ટીમે બન્નેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢયા હતા.