Western Times News

Gujarati News

યુપીમાં ‘મુસ્કાન’૨ઃ પ્રગતિ’એ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી

ઔરૈયા, ઉત્તરપ્રદેશના મેરઠના બહુચર્ચિત સૌરભ રાજપૂત હત્યાકાંડ જેવો એક વધુ મામલો ઔરૈયામાંથી સામે આવ્યો છે. આ મામલામાં પોલીસે કેટલાક સનસનીખેજ ખુલાસા કર્યા છે. હત્યાકાંડનું ષડયંત્ર પત્નીએ પોતાના પ્રેમીની સાથે મળીને રચ્યું હતું.

આ મામલામાં પોલીસે હત્યાની આરોપી પત્ની, તેના પ્રેમી અનુરાગ અને એક શૂટરની ધરપકડ કરી છે.પ્રાથમિક માહિતી મુજબ, પાંચમી માર્ચે મૈનપુરીના રહેવાસી બિઝનેસમેન દિલીપકુમાર(૨૪)ના લગ્ન ફફૂંદની રહેવાસી પ્રગતિ સાથે થયા હતા.

લગ્નના ૧૫ દિવસ પછી, ૧૯મી માર્ચે દિલીપને ગોળી મારવામાં આવી હતી. બે દિવસ પછી દિલીપનું મોત થઈ ગયું હતું. દિલીપના પિતાનો ક્રેનનો બિઝનેસ કેટલાય જિલ્લામાં ફેલાયેલો છે. તેમની પાસે ૧૨ હાઇડ્રા અને ૧૦ ક્રેન છે. દિલીપ ઔરૈયામાં રહીને ઔરૈયા અને કન્નૌજમાં ધંધાકીય કામ સંભાળતો હતો. જ્યારે પ્રગતિનો પરિવાર પણ પૈસાની રીતે સમૃદ્ધ છે. ઉજ્જૈનમાં તેમની એક શાળા છે.

પોલીસે શનિવારે હરપુરાની પાસે દરોડા પાડ્યા હતા. અહીંયા પોલીસે પ્રગતિની ધરપકડ કરી હતી.આ દરમિયાન પ્રેમી અનુરાગ યાદવ અને શૂટર રામજી નાગરની પણ ધરપકડ કરી હતી. પૂછપરછમાં પ્રગતિએ જણાવ્યું કે પ્રેમસંબંધોની જાણ થવા પર પરિવારજનોએ તેના લગ્ન મોટી બહેનના દિયર સાથે કરાવી દીધા હતા.

આ લગ્નથી પોતે(પ્રગતિ) નારાજ હતી. એટલા માટે પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો, અને રૂપિયા બે લાખમાં ભાડાના શૂટરને દિલીપની હત્યાનું કામ સોંપ્યું હતું. લગ્નમાં મોં દેખાડવાની અને અન્ય રીત-રસમો દરમિયાન મળેલા એક લાખ રૂપિયા શૂટરોને એડવાન્સમાં આપ્યા હતા.

આ કામમાં દિલીપનો પીછો કરનાર અનુરાગ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. દિલીપને નહેરમાં પડેલી કાર બહાર કાઢવાના બહાને સાથે લઈ જવા દરમિયાન શૂટર પણ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.