“કૉલેજ જવા માટે અંતરિયાળ વિસ્તારોની વિદ્યાર્થિનીઓને એસટી બસભાડામાં ૧૦૦ ટકા રાહત અપાય છે”

AI Image
રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા
રાજ્યની કૉલેજોમાં ફીના માળખા અંગેની વિગતો આપતાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોમાં ફીનું ધોરણ સમાન છે.
આ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારના તા. ૬ જૂન, ૨૦૦૩ના ઠરાવ અન્વયે આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ ફી સ્વરૂપે ફક્ત રૂ. ૬૦૦ની રકમ લેવામાં આવે છે, જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને શિક્ષણ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ જ પ્રકારે, રાજ્યના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને કૉલેજ સુધી આવવા-જવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસોમાં કન્સેશનની યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થિનીઓને બસભાડાના ૧૦૦ ટકા, જ્યારે વિધાર્થીઓને બસભાડાના લગભગ ૮૦ ટકા જેટલું કન્સેશન આપવામાં આવે છે તેમ મંત્રીશ્રી પાનશોરિયાએ જણાવ્યું હતું.
વધુમાં, રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ગાઇડલાઇન મુજબ માળખાકીય અને ભૌતિક સુવિધાઓ તથા શૈક્ષણિક સ્ટાફની ભરતી-બઢતી પ્રક્રિયા અંગેના તમામ નિયમો સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોને સમાન રીતે લાગુ પડે છે.
ભાવનગર જિલ્લાની કૉલેજોની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનગર જિલ્લામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહની પાંચ સરકારી કૉલેજ તથા આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, બી.એડ. અને કાયદા પ્રવાહની સાત ગ્રાન્ટેડ કૉલેજ આવેલી છે તેમ તેમણે ઉમેર્યું હતું.