Western Times News

Gujarati News

દવાઓના નમુના ચકાસણીની પ્રક્રિયા ઝડપી બનાવવા ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે નવીન લેબ સ્થપાશે

AI Image

રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા સૌને સાથે રાખીને  કામ કરવાની અમારી નીતિ છે :- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓને સર્વશ્રેષ્ઠ બનાવવા ગત્ વર્ષની તુલનાએ આ વર્ષના બજેટમાં ૧૬.૩૫ ટકા જેટલો વધારો કરાયો

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે, જે મગજ, નર્વસિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે – આરોગ્યમંત્રીશ્રી

પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત કાર્ડ અને સુવિધાને લગતી ફરિયાદ અને જાણકારી માટે રાજ્ય સરકારે 079-6644-0104 નંબર કાર્યરત કર્યો છે

-: આરોગ્યમંત્રીશ્રી :-

Ø  ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર , હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા ત્રણ રેડિયોથેરાપી સેન્ટર કાર્યરત થશે

Ø  યુ.એન. મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી, અમદાવાદ દ્વારા ગાંધીનગર, સુરત ખાતે કાર્ડિયોલોજી  તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ, ભાવનગર ખાતે  કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર કાર્યરત થશે

Ø  ખાદ્ય પદાર્થોના નમુના ચકાસવા માટે મહેસાણા, વલસાડ અને જુનાગઢ જિલ્લામાં નવીન લેબ સ્થાપવામાં આવશે

Ø  રાજ્યની  ૬ સરકારી સિવિલ હોસ્પિટલોમાં ૩૦ પુરૂષ  અને ૩૦ સ્ત્રી એમ કુલ ૬૦ પથારીના પેલિયેટિવ કેર વોર્ડ શરૂ કરવા માનવબળ ઉપલબ્ધ કરાશે

Ø  રાજ્યની સરકારી મેડીકલ કૉલેજો અને સંલગ્ન હોસ્પિટલ તેમજ એમ એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થાલ્મોલોજી અને સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે રૂ.૧૦૦.૦૦ કરોડના નવા અત્યાધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાશે

આરોગ્ય વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રીય માંગણીઓમાં વિધાનસભા ગૃહમાં પસાર

આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા પક્ષ – વિપક્ષ ન જોઇને સૌને સાથે રાખીને કામ કરવાની અમારી નીતિ છે. આરોગ્યસેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ટીકાત્મક ઉપરાંત સર્જનાત્મક સૂચન પણ હંમેશા સરકારમાં આવકાર્ય છે. જેનો સરકાર ખુલ્લા મને સ્વીકાર કરીને તેના પર કામ કરે છે. Innovative lab to be set up in Gandhinagar or Ahmedabad to speed up drug sample testing process

આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ આજે વિધાનસભા ગૃહમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માંગણીઓ પર  જવાબ આપી રહ્યાં હતા ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે જે મગજ, નર્વ સિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે.

રાજયના તબીબી વિધાર્થીઓ/ન્યુરોલોજીકલ તબીબોને નવીન સારવાર, ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરાશે તેમજ આ સંસ્થામાં ભવિષ્યમાં ન્યુરોલોજી/ન્યુરો સાયન્સને લગતા ઉચ્ચ અભ્યાસક્રમો પણ શરૂ કરી શકાશે .આ સંસ્થા સંપુર્ણપણે કાર્યરત થતા  રાજયમાં અન્ય જગ્યાઓએ પણ સેટેલાઈટ સેન્ટર શરૂ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

કૅન્સર –રાજ્યના ત્રણ જિલ્લામાં નવીન ત્રણ રેડિયોથેરાપી સેન્ટરની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર , હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરાશે.

 હ્રદયરોગ માટે –યુ.એન. મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી, અમદાવાદ દ્વારા ગાંધીનગર, સુરત ખાતે કાર્ડિયોલોજી  તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ, ભાવનગર ખાતે  કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર કાર્યરત કરાશે.

 પેલિયેટીવ કેર માટે –ગંભીર કે જીવલેણ બિમારીથી પીડિતા દર્દી જ્યારે જીંદગીના અંતિમ તબક્કામાં હોય ત્યારે તેને સારવારની સાથે સંભાળ પણ મળે તે માટેના નવીન અભિગમ સાથે રાજ્ય સરકારે 6 સરકારી હોસ્પિટલમાં પેલિયેટીવ કેર વોર્ડ શરૂ કરવાનો નિર્ણય કરવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

વધું વિગતો આપતા તેમણે ઉમેર્યુ હતુ કે, રાજ્યની  ૬ સરકારી સિવિલ હોસ્પિટલોમાં ૩૦ પુરૂષ  અને ૩૦ સ્ત્રી એમ કુલ ૬૦ પથારીના પેલિયેટિવ કેર વોર્ડ શરૂ કરવા માનવબળ ઉપલબ્ધ કરાશે

ગંભીર ,અસાધ્ય અને જીવલેણ બિમારીના કારણે અંતિમ તબ્બકામાં હોય તેવા દર્દીઓને તબીબી સારવારની વિવિધ પધ્ધતિઓ દ્વારા પીડામાંથી મુક્તિના પ્રયાસો હાથ ધરાશે.

 મંત્રીશ્રીએ અન્ય અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજયની સરકારી સિવિલ હોસ્પિટલોના આઈ.સી.યુ. વિભાગોમાં પથારીઓનો વધારો કરવા અને તેની સેવાઓ સુદ્રઢ કરવાની તથા આઈ.સી.યુ.ને સંલગ્ન નવા ક્રિટીકલ કેર મેડીસીન વિભાગ શરૂ કરવા માનવબળ ઉપલબ્ધ કરાશે

 રાજ્યની સરકારી મેડીકલ કૉલેજો અને સંલગ્ન હોસ્પિટલ તેમજ એમ એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થાલ્મોલોજી અને સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે રૂ.૧૦૦.૦૦ કરોડના નવા અત્યાધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાશે

 સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે નિર્માણ પામેલ સુપર સ્પેશીયાલીટી બિલ્ડીંગમાં ૨૦ બેડના નેફ્રોલોજી  તથા ૨૦ બેડના યુરોલોજી વિભાગ મળી  કુલ-૪૦ બેડની કાર્યક્ષમતા સાથે કિડનીના દર્દીઓ માટે સેવાઓ શરુ થશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

 ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજ્યમાં દવાઓના નમુના ચકાસણી ઝડપી બનાવવા ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે નવી ખોરાક અને ઔષધ પ્રયોગશાળા સ્થાપવામાંનો તેમજ ખાદ્ય પદાર્થોના નમુના ચકાસવા માટે નવીન ત્રણ લેબ મહેસાણા, વલસાડ અને જુનાગઢ જિલ્લામાં સ્થાપવા માટે પ્રયોગશાળાઓના બાંધકામ માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૨૮.૩૧ કરોડની જોગવાઈ કરાઇ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

બાળ અને માતા મૃત્યુ દર ઘટાડવા

વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં અતિ જોખમી અને જોખમી સગર્ભા માતાઓને  ૧૮૦ દિવસ સુધી પોષણક્ષમ બિસ્કીટ ઉપલબ્ધ કરાવવા માટેની જોગવાઇ કરાઇ છે.

રાજ્યના છેવાડાના માનવી સુધી આરોગ્ય વિષયક સેવાઓ સમયસર પહોંચે તે માટે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કચ્છ અને બનાસકાંઠાના પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ ૩૦ ફિમેલ હેલ્થ વર્કરની નવી જગ્યાઓ ઉભી કરાશે

નમો શ્રી યોજના અંતર્ગત ૧૧ કેટેગરીની બહેનોને ખાનગી અને સરકારી સંસ્થાકીય પ્રસુતિમાં તબક્કા વાર કુલ રૂ.૧૨,૦૦૦/- ની સહાય અપાય છે જેના માટે આ વર્ષના બજેટમાં કુલ રૂા.૪૮૮.૪૦ કરોડની જોગવાઈ કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

રાજ્યની જીલ્લા તેમજ પેટા જીલ્લા હોસ્પિટલો ખાતે પોસ્ટ મોર્ટમ રૂમ(કોલ્ડ સ્ટોરેજ બોક્ષ સહિત)નું બાંધકામ કરવા રૂ.૧૫.૦૦ કરોડની જોગવાઇ અને નવીન 200 જેટલી 108 એમ્બ્યુલન્સ ખરીદવા માટે કુલ રૂ.૪૮.૦૦ કરોડની જોગવાઇ કરી હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

આરોગ્ય વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રીય માંગણીઓમાં વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.