‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ દીઠ ચૂકવવો પડશે દંડ’: સુપ્રીમ

AI Image
(એજન્સી)નવી દિલ્હી, ભારતની સુપ્રીમ કોર્ટે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ પ્રત્યે કોઈ દયા ન બતાવવી જોઈએ. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા વૃક્ષો માટે ૧ લાખ રૂપિયાના દંડને મંજૂરી પણ આપી દીધી.
સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરતા કહ્યું કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ ખરાબ કૃત્ય છે કારણ કે આ વૃક્ષોને ફરીથી પેદા થવામાં ઓછામાં ઓછા ૧૦૦ વર્ષ લાગશે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુઇયાનીસુપ્રીમ કોર્ટની બેન્ચે આ આદેશ આપ્યો હતો અને આ કેસના આરોપી શંકર અગ્રવાલ સામે ૪૫૪ વૃક્ષો કાપવા બદલ દંડાત્મક કાર્યવાહી કરી હતી.
કોર્ટે કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તે માત્ર કુદરતી સંસાધનોનું ઉલ્લંઘન જ નથી કરતું પરંતુ પર્યાવરણ અને જૈવવિવિધતા માટે પણ ખતરો છે. વરિષ્ઠ વકીલ એડીએન રાવ ‘એમિક્સ ક્યુરી’ તરીકે કોર્ટમાં હાજર થયા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે ગેરકાયદેસર વૃક્ષ કાપવાના કિસ્સાઓમાં સ્પષ્ટ સંદેશ આપવો મહત્વપૂર્ણ છે,
જેથી ગુનેગારોને ખ્યાલ આવે કે કોઈપણ સંજોગોમાં કાયદા અને વૃક્ષોના રક્ષણને અવગણી શકાય નહીં. કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના રિપોર્ટને સ્વીકાર્યાે, જેમાં શંકર અગ્રવાલ પર ૪૫૪ વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
આ અહેવાલ મુજબ, ગયા વર્ષે ૧૮ સપ્ટેમ્બરની રાત્રે આ ૪૫૪ વૃક્ષો કાપવામાં આવ્યા હતા, જેમાંથી ૪૨૨ વૃક્ષો ખાનગી જમીન ‘ડાલમિયા ફાર્મ’ પર હતા. જ્યારે ૩૨ વૃક્ષો રસ્તાની બાજુમાં આવેલા સંરક્ષિત વન વિસ્તારમાં હતા.