સી.જી.રોડ પરની ખ્યાતનામ જવેલર્સની દુકાન બળીને ખાક

અમદાવાદ, સી.જી.રોડ પરની ખ્યાતનામ જવેલર્સની દુકાન બળીને ખાખ, ફાયર વિભાગે ૨૦ કરોડથી વધુના દાગીના બચાવ્યા અમદાવાદના સી.જી.રોડ ઉપર આવેલા સુપરમોલના ત્રીજા માળે કૃણાલ જવેલર્સમાં ગત સાંજે ઈલેકટ્રીક બોર્ડમાં શોટ સર્કીટ થવાથી ભયાનક આગ લાગી હતી.
ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાચ તોડીને દુકાનમાં પ્રવેશ કર્યાે હતો,અને આગ પર કાબૂ મેળવ્યો હતો.દરમિયાન દુકાનમાં રખાયેલા ૧૦ કિલો સોના સહીત અંદાજે ૨૦ કરોડનો માલસામાન સલામત બહાર કાઢ્યો હતો.
ફાયર વિભાગે બચાવેલું સોનુ માલિકને પરત કર્યુ હતુ. ફાયર વિભાગની કામગીરી સમયે ઉપરના માળે વિડીયો ઉતારી રહેલા લોકોને પોલીસે ખદેડીને દુર કર્યા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ બુધવારે બપોરે ચાર કલાકના સુમારે સી.જી.રોડ ઉપર આવેલા સુપરમોલ ખાતે ત્રીજા માળે આવેલા કૃણાલ જવેલર્સમાં આગ લાગતા નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતેથી ત્રણ વાહન સાથે ડિવીઝનલ ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આગને કાબૂમાં લેવા ટોરેન્ટ પાવરની ટીમ સાથે પોલીસની મદદ લેવામાં આવી હતી.ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા પાવર સપ્લાય બંધ કરાવીને આગને કાબૂમાં લેવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.ફાયર વિભાગની ટીમે અંદાજે એક કલાકના સમયમાં જવેલર્સની દુકાનમાં લાગેલી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.
આ બિલ્ડિંગમાં નવા ફાયર સેફટી ઈકવીપમેન્ટ લગાવવામાં આવ્યા હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.ચારમાળના સુપરમોલમાં ત્રીજા માળે આવેલી દુકાનમાં આગ લાગતા લોકો ધુમાડાથી બચવા ઉપરના માળે દોડી ગયા હતા.SS1MS