Western Times News

Gujarati News

“હડતાલનું નિરાકરણ નહિ આવે તો બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝને તાળાબંધી કરવામાં આવશે” કામદારોની ચીમકી

કામદારોની હડતાલનું નિરાકરણ નહિ આવે તો કંપનીને તાળાબંધી કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી-કંપનીના ૩૦૦ થી વધુ કાયમી કર્મચારીઓ તથા ૫૦૦ જેટલા કોન્ટ્રાક્ટના મહીલા સહિતના કર્મચારીઓ પગાર વધારાની માંગણી

નવમાં દિવસે પણ ઝઘડિયાની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝમાં કર્મચારીઓની હડતાલ યથાવત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા જીઆઈડીસીના ૨૩ નંબરના પ્લોટમાં આવેલ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ કંપની પર કર્મચારીઓની હડતાલ હમણાં ચર્ચાનો વિષય બની છે. છેલ્લા નવ દિવસથી કંપનીના ૩૦૦ થી વધુ કાયમી કર્મચારીઓ તથા ૫૦૦ જેટલા કોન્ટ્રાક્ટના મહીલા સહિતના કર્મચારીઓ પગાર વધારાની માંગણીને લઈ હડતાલ પર ઉતર્યા છે.હડતાલના શરૂઆતના બે દિવસોમાં કંપની સંચાલકો દ્વારા કોઈ પ્રતિભાવ કામદારોને આપવામાં આવ્યો નથી.

ઝઘડિયાના સ્થાનિક આગેવાનો વૈભવ વસાવા,મિતેશ પઢીયારના હડતાલ પરના કામદારોને સાથ સહકાર બાદ રાજકીય પાર્ટીના આગેવાનો પણ કામદારોના સમર્થનમાં આવ્યા હતા,ગત સપ્તાહે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ચૈતર વસાવા,કોંગી આગેવાન શેરખાન પઠાણ સહિતના રાજકીય આગેવાનો બ્રિટાનિયા કંપનીમાં હડતાલ પર ઉતરેલા કામદારોન સમર્થન?માં આવ્યા હતા.

ધારાસભ્ય અને સાંસદ સભ્ય કંપની ખાતે પહોંચતા કંપની સંચાલકોએ પણ તેમની સાથે બેઠક કરવાની ફરજ પડી હતી.બેઠક દરમ્યાન કંપની સંચાલકોએ ધારાસભ્યને મંગળવાર સુધીમાં નિરાકરણ લાવવાનો મૌખિક વાયદો કર્યો હતો.પરંતુ આજે કંપની પર એચઆર વિભાગ કે એકાઉન્ટ વિભાગ સહિત કંપની સંચાલકો પર ફરકયા નથી,જેના કારણે કંપની સદંતર બંધ હાલતમાં છે.

કંપની દ્વારા જણાવવામાં આવેલ કે મંગળવાર સુધીમાં નિરાકરણ લાવવામાં આવશે જેથી કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ,ધરનારજ વસાવા સહીત યુથ પવારના આગેવાન રજની વસાવા આજે કંપની પર પહોંચ્યા હતા.પરંતુ કંપની પર એક પણ જવાબદાર સંચાલક હાજર નહીં હતા,તેમણે કર્મચારીઓ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે મંગળવાર સાંજ સુધીમાં જો કંપની દ્વારા પગાર વધારા મુદ્દાનું યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો કામદારોની સાથે રહી

આવતીકાલ એટલે કે બુધવારના રોજ કંપનીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ સિવાય અન્ય કંપનીના કામદારોનું પણ હડતાલમાં જોડાવા આહવાન કરવામાં આવશે,આટલા દિવસોથી કામદારો હડતાલ પર છે.ત્યારે કંપની દ્વારા કામદારોને પાણીનો ભાવ પણ પૂછવામાં આવતો નથી જે અયોગ્ય છે.

વધુમાં તેમણે માંગણી કરી હતી કે કામદારોને ૧૭ હજાર રૂપિયા બેઝિક પગાર મળે,બે લાખ રૂપિયા સુધીનો કુટુંબને મેડિક્લેમ મળે તેવી માંગ ઉઠાવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે છેલ્લા બે દિવસથી કંપની સંચાલકો જ કંપની પર આવતા નથી ત્યારે આવતીકાલનો તાળાબંધીનો કાર્યક્રમ કામદારોનો કેવો રહેશે તે જોવાનું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.