જમીન પચાવી પાડવા માટે હથિયારો સાથે કલોલના વાયણા ગામે શખ્સોનો આતંક

AI Image
કલોલના વાયણામાં માથાભારે તત્વોના હુમલામાં ૪ સિકયુરિટી ગાર્ડ ઈજાગ્રસ્ત
ગાંધીનગર, કલોલ તાલુકાના વાયણા ગામની સીમમાં તા.ર૯મી માર્ચના રોજ ખાનગી માલિકીની જમીન પચાવી પાડવા માટે કેટલાક માથાભારે શખ્સોએ સિકયુરિટી ગાર્ડના માણસો ઉપર હુમલો કરતા ૪ જણાને ઈજાઓ થઈ હતી. જીવલેણ હુમલો કરી આતંક ફેલાવતા સમગ્ર ગામમાં સનસનાટી મચી ગઈ હતી.
બનાવ અંગે સિકયુરીટી ગાર્ડ અભિષેકકુમાર યાદવે ફરિયાદ સાંતેજ પોલીસ મથકમાં રાજુભાઈ રબારી સહિતના આરોપીઓના ટોળા સામે નોંધાવી છે તે મુજબ હકીકત એવી છે કે સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અભિષેકકુમાર યાદવ વાયણા ગામની સીમમાં સંદીપભાઈ ગાલાની માલિકીની જમીન ઉપર ચોકીદારી તરીકે કામ કરે છે. તેમની સાથે અન્ય ગાર્ડ પણ ફરજ બજાવે છે.
ર૯ માર્ચના રોજ રાજુભાઈ રબારી નામનો શખ્સ કેટલાક માણસોને લઈ હથિયારો સાથે ધસી આવ્યો હતો અને કહ્યુ હતું કે તમે આ જમીન ઉપર શા માટે આવ્યા છો, આ જમીન અમારી છે તમે અહીંથી ચાલ્યા જાવ નહીં તો જાનથી મારી નાખીશું.
ગાળો નહીં બોલવાનું કહેતા રાજુ રબારી ઉશ્કેરાઈ ગયો હતો લાકડીઓના ફટકા મારતા તેના માણસો પણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા તેમાં અભિષેક યાદવ, રવિંદર યાદવ, રાજવીરસિંહ યાદવ અનેઅન્ય સિકયુરીટી ગાર્ડોને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં બેફામ બનેલા માથાભારે તત્વોએ આતંક મચાવ્યો હતો તેવો જ બનાવ કલોલ તાલુકાના વાયણા ગામે બનતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. માથાભારે તત્વો ઉપર પોલીસ કે કાયદાની ધાક કે ડર રહ્યો ન હોય તેવી હાલત સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડયું છે.