પે-ટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી હજારો વેપારી સાથે કરોડોની ઠગાઈ

અમદાવાદમાં ૬ની ગેંગ ઝડપાઈ
આ ટોળકીનો સૂત્રધાર રાણીપના સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતો ૩૦ વર્ષીય બ્રિજેશ પટેલ અગાઉ પેટીએમમાં કામ કરી ચૂક્યો છે
નવી દિલ્હી,
અગણિત વેપારીઓ હવે ઓનલાઈન પેમેન્ટ માટે સાઉન્ડ બોક્સ વાપરતાં થયાં છે. અમદાવાદ સહિત ગુજરાતના હજારો વેપારીઓ, લારીવાળાને પે-ટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી અને નવી સ્કીમ ચાલુ કરવા માટે એક રૂપિયો ટ્રાન્સફર કરવાના બહાને છેતરી બેન્ક ખાતાં ખાલી કરી નંખાયા હતા. મુળ રાજસ્થાન અને પાટણના રહીશ અને અમદાવાદમાં રહીને છેતરપિંડી કરતા ૬ શખસને સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. અમદાવાદના વાસણા સહિત રાજ્યના અનેક વેપારીના પૈસા સેરવી લેનાર ટોળકીનો સૂત્રધાર પે-ટીએમનો જુનો કર્મચારી છે.
પે-ટીએમ સાઉન્ડ બોક્સના નામે રાજ્યના વેપારીઓ સાથે છેતરપિંડી આચરનાર અમદાવાદની ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે. આ ટોળકીનો સૂત્રધાર કડીના મોકાસણ ગામનો અને હાલ રાણીપના સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતો ૩૦ વર્ષીય બ્રિજેશ પટેલ અગાઉ પેટીએમમાં કામ કરી ચૂક્યો છે. બ્રિજેશે અન્ય સાગરિતો રાજસ્થાનના વતની અને શાહપુરમાં રહેતા ગોવિંદ લાલચંદ ખટીક, જુના વાડજના રહીશ પરાગ ઉર્ફે રવી મિસ્ત્રી, ડીલક્ષ ઉર્ફે ડબુ સુથાર, પ્રિતમ સુથાર ઉપરાંત વિસનગરમાં રહેતા રાજ પટેલને પકડી પાડ્યા છે.સૂત્રધાર બ્રિજેશ પટેલે ધોરણ ૧૦ પછી આઈટીઆઈમાં અભ્યાસ કર્યાે હતો.
પે-ટીએમમાં સેલ્સ માર્કેટિંગનું કામ કરતો હતો. આ દરમિયાન કેટલાક ગ્રાહકો પાસેથી છેતરપિંડી કરી પૈસા મેળવ્યાનું ખુલતાં કંપનીમાંથી કાઢી મુકાયો હતો. વર્ષ ૨૦૨૨થી પે-ટીએમ કંપનીના અન્ય કર્મચારી સાથે મળી ગેંગ બનાવીને શરૂઆતમાં અમદાવાદ પછી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં વેપારીઓને ટાર્ગેટ કર્યા હતા. પે-ટીએમના સાઉન્ડ બોક્સ ધરાવતા વેપારી, દુકાનદારોને મહિને ૯૯ રૂપિયા ભાડાને બદલે સાઉન્ડ બોક્સ ળી થયાનું જણાવતા હતા. માત્ર એક રૂપિયો ટ્રાન્સફર કરવાનો છે તેમ કહી વેપારીના મોબાઈલ ફોનમાંથી પેમેન્ટ કરાવતા હતા.
બાદમાં, દુકાનદારના જ મોબાઈલ ફોનમાંથી પે-ટીએમ રિકવેસ્ટ માટેનો ઈ-મેઈલ કરવાનો છે તેમ કહી સાગરિત પાસેથી ક્યુઆર કોડ મેળવી વેપારીના મોબાઈલ ફોનથી જ નાણાં સેરવી લેતા હતા. આ દરમિયાન આવતાં ઓટીપી અને ટ્રાન્ઝેક્શનના મેસેજ ડીલીટ પણ કરી દેતા હતા. આ પ્રકારે અમદાવાદ સહિત ગુજરાતના ૫૦૦થી વધુ વેપારીઓના બેન્ક ખાતાંઓમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરે છે.ss1