Western Times News

Gujarati News

ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટના તમામ જજ પાસેની સંપત્તિ જનતા માટે ઉપલબ્ધ થશે

સુપ્રીમ કોર્ટના તમામ જજને સંપત્તિ જાહેર કરવા આદેશ-

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના તમામ ૩૩ ન્યાયાધીશો તેમની સંપત્તિની વિગતો જાહેર કરશે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત ચર્ચાઓ વચ્ચે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ૧ એપ્રિલના રોજ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં મળેલી તમામ ન્યાયાધીશોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મિલકત ક્્યારે અને કેવી રીતે જાહેર કરવામાં આવશે તે નક્કી કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે આ માહિતી ટૂંક સમયમાં જનતા માટે ઉપલબ્ધ થશે.

ન્યાયાધીશો દ્વારા સંપત્તિ જાહેર કરવાની જોગવાઈ હજુ પણ છે પરંતુ તેને ફરજિયાત બનાવવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧ એપ્રિલની બેઠકમાં નક્કી કરાયેલ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના ભાવિ ન્યાયાધીશોને પણ લાગુ પડશે. આ પહેલા ૨૬ ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ સુપ્રીમ કોર્ટના તત્કાલીન ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી હતી.

અત્યારે પણ ન્યાયાધીશો મુખ્ય ન્યાયાધીશને આ વિશે જાણ કરે છે પરંતુ તે જાહેર કરવામાં આવતું નથી. સુપ્રીમ કોર્ટની નિર્ણય લીધો છે કે ન્યાયાધીશોએ પદ સંભાળતાની સાથે જ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશો સ્વેચ્છાએ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તેમની સંપત્તિની વિગતો જાહેર કરશે.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તાજેતરમાં જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનમાંથી રોકડ રકમ મળી આવી હતી. કેસની તપાસ કરવા માટે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ૨૨ માર્ચે જસ્ટિસ યશવંત વર્મા સામે ત્રણ સભ્યોની આંતરિક તપાસ શરૂ કરી હતી.

એવો આરોપ છે કે જસ્ટિસ વર્માના સત્તાવાર રહેણાંક સંકુલમાંથી નોટોના બંડલ મળી આવ્યા હતા, જ્યાં ૧૪ માર્ચે આગ લાગી હતી. આગ બુઝાવનારી ફાયર બ્રિગેડ ટીમે સ્ટોર રૂમમાં નોટોના આ બંડલ જોયા હતા. આગને કારણે ઘણી નોટો બળી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.