Western Times News

Gujarati News

હવે PPF એકાઉન્ટમાં નોમિની અપડેટ કરવા પર કોઈપણ ચાર્જ નહીં

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ગઈકાલે પીપીએફ એકાઉન્ટ હોલ્ડર્સ માટે મોટી રાહત જાહેર કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું છે કે, પીપીએફ ખાતામાં નોમિની અપડેશન માટે હવે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. તદ્દન મફતમાં આ સેવાનો લાભ લઈ શકાશે. નાણા મંત્રીની આ જાહેરાતથી દેશના આશરે ૬ કરોડથી વધુ લોકોને લાભ થશે.

સરકારે નોટિફિકેશન મારફત પીપીએફ ખાતામાં નોમિની ઉમેરવાના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જણાવ્યું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ અંગે જણાવ્યું હતું કે, પીપીએફ એકાઉન્ટમાં નોમિનીની વિગતો અપડેટ કરવા માટે અમુક નાણાકીય સંસ્થાઓ પાસેથી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હતો. જે હવે તદ્દન ફ્રી કરવામાં આવ્યો છે.

સરકારે બીજી એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર કરી સ્પષ્ટતા કરી હતી કે, પીપીએફ એકાઉન્ટમાં નોમિની અપડેશન પર લાગુ તમામ ચાર્જ દૂર કરવામાં આવ્યા છે.
સરકારી બચત સંવર્ધન સામાન્ય નિયમ ૨૦૧૮માં આ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, સરકાર દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ માટે નોમિની રદ કરવા તેમજ તેમાં ફેરફાર કરવા માટે ચાર્જ પેટે રૂ. ૫૦ વસૂલવામાં આવતા હતા.

પીપીએફમાં નોમિની અપડેશન મફત કરવાની સાથે બૅન્કિંગ સુધારા બિલ ૨૦૨૫ હેઠળ બૅન્કોના સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, લોકર, એફડીના ખાતેદારોની જેમ પીપીએફ ખાતેદારો પણ ચાર નોમિની સામેલ કરી શકશે. પીપીએફમાં મોટાભાગે પ્રોફેશનલ્સ રોકાણ કરે છે. ટેક્સમાં બચતનો વિકલ્પ હોવાથી તેમાં રોકાણ કરતાં હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.