CBSE બોર્ડની અંદાજે ૧૬, ગુજરાત બોર્ડની 25 જેટલી શાળાઓ ડમી હોવાની શિક્ષણ વિભાગને ફરિયાદ

પ્રતિકાત્મક
શિક્ષણ બોર્ડના નિયમોનું પાલન કર્યા વિના ચાલતી શાળાઓની માન્યતા રદ -આગામી દિવસોમાં અન્ય શાળાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવશે
(એજન્સી)સુરત, સુરતમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી શાળાઓ સામે સુરત શિક્ષણાધિકારીએ મોટી કાર્યવાહી કરી છે. નિયમોનો ભંગ કરતી ૫૫ શાળાઓની માન્યતાઓ રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે ધ્યાનમાં રાખીને રદ કરાયેલ શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જેના માટે, એક ખાસ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે શાળાઓની વિગતવાર તપાસ કરશે અને રિપોર્ટ રજૂ કરશે.
રિપોર્ટના આધારે, ડીઈઓ પ્રાથમિક શિક્ષણ નિયામકને માન્યતા રદ કરવા માટે ભલામણ કરશે. આગામી દિવસોમાં અન્ય શાળાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવશે અને તે મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી કોઈપણ પ્રકારની અનિયમિતતા સહન કરવામાં આવશે નહીં. શાળા-શિક્ષણને લઈ નિયમોનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શહેરની કેટલીક શાળાઓ શિક્ષણ બોર્ડના નિયમોનું પાલન કર્યા વિના કાર્યરત હોવાની વિગતોની જાણ ડીઈઓ ને થતાં સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. કેટલીક શાળાઓએ એક જ નામ સાથે બે અલગ અલગ સ્થળોએ કામ શરૂ કર્યું છે, જ્યારે કેટલીક શાળાઓએ પરવાનગી વિના પોતાનું સ્થાન બદલ્યું છે. કેટલાક સ્થાપકો ફાયર સેફ્ટી અને બિÂલ્ડંગ યુટિલિટી સર્ટિફિકેટ વિના શાળાઓ ચલાવી રહ્યા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ રમતના મેદાનો અને મૂળભૂત ભૌતિક સુવિધાઓ જેવી પૂરતી માળખાગત સુવિધાઓની કોઈ જોગવાઈ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી, કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે.ત્રણ મહિના અગાઉ સુરત શહેરમાં વિદ્યાર્થીઓના શિક્ષણનું જાણે કોઈ મોલ ન હોય તેમ એક પછી એક શાળાઓ ખુલી રહી હોવાનું સામે આવ્યું હતું,
શિક્ષણ વિભાગ ડમી શાળાઓ સામે કાર્યવાહી કરવા સખ્ત બન્યું હતું. ડમી શાળાઓ પણ કથળતા શિક્ષણ માટે જવાબદાર ગણાતી હોય છે ત્યારે આવા દૂષણને અટકાવવા શિક્ષણ વિભાગ વધુ સજાગ બન્યું છે. સુરતમાં જીલ્લા શિક્ષણાધિકારીઓની ટીમ ડમી શાળા શોધવા સક્રિય થઈ હતી. માહિતી મુજબ, તપાસ દરમિયાન જો કોઈ ડમી શાળાઓ મળી આવે તો આવી શાળાઓ સામે જરૂરી કાર્યવાહી કરવાનો પણ આદેશ કરાયો છે.
સુરતમાં જ સીબીએસઈ બોર્ડની અંદાજે ૧૬, ગુજરાત બોર્ડની ૨૫ જેટલી શાળાઓ ડમી હોવાની શિક્ષણ વિભાગને ફરિયાદ મળી છે. વિદ્યાર્થીની સ્કૂલનાં રજિસ્ટરને બદલે કોચિંગનાં રજિસ્ટરમાં હાજરી હોય છે. જે ફરિયાદનાં પગલે તપાસનાં આદેશ કરાયા છે. ખાનગી ટ્યુશન સંચાલકો પણ ડમી શાળાઓ ખોલી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.