ડેપ્યુટી કમિશનરે માત્ર ‘જી સર’ લખી જવાબ આપતા કમિશનર રોષે ભરાયા

કોઈ નાગરિકે ડેડ બોડી વાન માટે ફોન કરતા ડ્રાયવર ઉપલબ્ધ નથી તેવો જવાબ મળ્યો હતો તેથી નાગરિકે આ અંગે કમિશનરને ફોન કર્યો હતો.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ વધુ એક વખત વીકલી રીવ્યુ મીટીંગમાં બે ડેપ્યુટી કમિશનરોને આડા હાથે લીધા હતા. આ ઉપરાંત પાછલા વર્ષે ચોમાસાની સીઝનમાં આવેલ ઓનલાઈન ફરિયાદોને આધારે આગામી ચોમાસાના આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ઈન્સ્ટોલ કરવામાં આવેલ ઓનલાઈન કેમેરાથી કોર્પોરેશનને શું ફાયદો થયો છે તે બાબતે પણ કોન્ટ્રાકટરને બોલાવી સવાલ જવાબ કર્યાં હતાં.
મ્યુનિ. કમિશનરે ત્રણ-ચાર દિવસ અગાઉ ડેપ્યુટી કમિશનર વિશાલ ગુપ્તાને કોઈ કામ અંગે મેસેજ કર્યો હતો વિશાલ ગુપ્તાએ આ અંગે કોઈ યોગ્ય ફીડબેક આપવાના બદલે માત્ર ‘જી સર’ લખીને જવાબ મોકલ્યો હતો તેના કારણે કમિશનર રોષે ભરાયા હતા તેમજ આ ‘જી સર’નો મતલબ શું સમજવો ?
કામ થયું કે ન થયું કે કોઈ અધિકારીને આ બાબતે કામ સોંપવામાં આવ્યું છે તે અંગેની વિગત આપવાના બદલે ‘જી સર’ લખવું કમિશનરને યોગ્ય લાગ્યું ન હતું તેવી જ રીતે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર વિશાલ ઠક્કર પણ કમિશનરની ઝપટમાં આવી ગયા હતાં. કોઈ નાગરિકે ડેડ બોડી વાન માટે ફોન કરતા ડ્રાયવર ઉપલબ્ધ નથી તેવો જવાબ મળ્યો હતો તેથી નાગરિકે આ અંગે કમિશનરને ફોન કર્યો હતો.
મ્યુનિ. ફાયર વિભાગની આવી બેદરકારીથી કમિશનર ગુસ્સે થયા હતાં અને ડેપ્યુટી કમિશનર વિશાલ ઠકકરને પણ આડા હાથે લીધા હતાં. જોકે વિશાલ ઠકકરે માત્ર ૧ર ડેડ બોડી વાન છે તથા છેલ્લા એક સપ્તાહમાં ૭૯૦ જેટલા કોલ આવ્યા હતા તેથી તકલીફ થઈ હોવાનું જણાવ્યું હતું જેની સામે કમિશનરે વધુ ડેડ બોડી વાન ખરીદવા સુચના આપી હતી અને ફાઈલ મુકવામાં આવશે તો તરત બજેટ ફાળવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનરના અધ્યક્ષસ્થાને દર સપ્તાહે મળતી રીવ્યુ મીટીંગમાં જાહેરમાં થુંકવા, ડેબરીઝ લઈને જતાં વાહનો વગેરે માટે ઈન્સ્ટોલ કરવામાં આવેલ ઓનલાઈન કેમેરાના પેઝેન્ટેશન માટે કોન્ટ્રાકટરોને બોલાવવામાં આવ્યા હતા જેમાં કોન્ટ્રાકટરે છેલ્લા છ મહિનાનું પેઝેન્ટેશન કર્યું હતું પરંતુ કમિશનરે આ બાબતમાં રસ ન દાખવતા સીધો સવાલ કર્યો હતો કે આ કેમેરા ઈન્સ્ટોલ કર્યા બાદ નિયમના ભંગ કરનાર સામે કોર્પોરેશન દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી આપવી જરૂરી છે.
પરંતુ આશ્ચર્યજનક રીતે આ અંગે કોઈપણ અધિકારી પાસે માહિતી ઉપલબ્ધ નહતી. અત્રે નોંધનીય બાબત એ છે કે આ પ્રકારના કેમેરા ઈન્સ્ટોલ કરનાર અમદાવાદ રાજયનું પ્રથમ શહેર છે. પાછલા વર્ષે ચોમાસામાં રોડ તૂટવા, ઝાડ પડવા, વરસાદી પાણી ભરાવા બાબતે નાગરિકો તરફથી જે ઓનલાઈન ફરિયાદો મળી હતી
તે અંગે પણ જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તથા આગામી ચોમાસામાં આ તમામ બાબતોનું પુનરાવર્તન ન થાય તે માટે શું આયોજન કરવા તેની રૂપરેખા તૈયાર કરવા પણ સુચના આપી હતી.