ભારત-થાઈલેન્ડના કરારઃ વેપાર, સલામતી અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં આદાન-પ્રદાન થશે

બેંગકોક, ભારત અને થાઈલેન્ડના સંબંધોને વધારે સઘન બનાવવાના હેતુથી બંને વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના કરાર થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના વડાપ્રધાન પેટોંગતાર્ન શિનાવાત્રા વચ્ચે મંત્રણા બાદ બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહકાર વધારવા સંમત થયા હતા.
આ પ્રસંગે વેપાર, સલામતી અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં આદાન-પ્રદાન થકી સમૃદ્ધિનો માર્ગ મોકળો કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.બેંગકોક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષી કરાર માટે બંને દેશ વચ્ચે સઘન વાટાઘાટો થઈ છે.
ભારતના ઉત્તરપૂર્વી રાજ્યો અને થાઈલેન્ડ વચ્ચે પ્રવાસન, સાંસ્કૃતિક અને શિક્ષણક્ષેત્રે સહકાર પર ભાર મૂકવામાં આવ્યો છે. વેપાર અને રોકાણ વધારવા મોદી અને શિવાનાત્રા વચ્ચે વાત થઈ હતી.
બંને દેશના વડાએ ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં મુક્ત, સર્વસમાવેશી અને ન્યાયી પદ્ધતિ મજબૂત બનાવવા અને વિસ્તારવાદના બદલે વિકાસવાદને પ્રોત્સાહન આપવા સંમતિ દર્શાવી હતી.મોદીએ જણાવ્યુ હતું કે, ભારતની ‘એક્ટ ઈસ્ટ’ પોલિસી અંતર્ગત થાઈલેન્ડ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
આજે બંને દેશે પોતાના સંબંધોને વધારે ગાઢ બનાવતા વ્યૂહાત્મક ભાગીદારીનો નિર્ણય લીધો છે. બંને દેશની સલામતી એજન્સીઓ વચ્ચે વ્યૂહાત્મક સંવાદ હાથ ધરવા પણ વાતચીત થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને યાદગાર બનાવતાં થાઈલેન્ડ સરકારે ૧૮મી સદીની રામાયણના ભીંતચિત્રો આધારિત વિશેષ પોસ્ટ સ્ટેમ્પ ઈશ્યૂ કરી હતી. આ સાથે શિવાનાત્રાએ વડાપ્રધાન મોદીને ત્રિપિટિકા ભેટમાં આપી હતી.
નરેન્દ્ર મોદી થાઈલેન્ડમાંઃ દરિયાઈ વિસ્તારમાં સહકાર વધારવાના કરાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભુતાનના નેતાઓએ આ સમિટમાં ભાગ લીધો છે.
થાઈલેન્ડના વડાપ્રધાન શિનાવાત્રા દ્વારા આયોજિત ભોજન સમારંભમાં વડાપ્રધાન મોદીની બાજુમાં બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહંમદ યુનુસ બેઠા હતા. બીજી બાજુ નેપાળના પીએમ કે પી શર્મા ઓલી હતા.બે ઓફ બંગાલ ઈનિશિએટિવ ફોર મલ્ટિ સેકટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી બે દિવસના થાઈલેન્ડ પ્રવાસે ગયા છે.
ગાર્ડ ઓફ ઓનર અને થાઈ રામાયણની પ્રસ્તુતિ સાથે મોદીનું સ્વાગત થયુ હતું. શુક્રવારે મોદી અને યુનુસ વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે. બાંગ્લાદેશમાં લઘુમતિ હિન્દુઓ પર અત્યાચારના મામલે ભારત સાથે કથળી રહેલા સંબંધો વચ્ચે યુનુસે ચીનના ખોળે માથુ મૂક્યું છે.
ભારતને સીધો પડકાર ફેંકતા તેમણે ચીનને પોતાના દરિયાઈ વિસ્તાર સોંપવાની ઓફર કરી છે. યુનુસની ચીન મુલાકાત બાદ વડાપ્રધાન મોદી સાથે બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે.SS1MS