અમદાવાદના મોટા ભાગના કાફેમાં ઇ-સિગારેટનું ચલણઃ પોલીસનું ભેદી મૌન

અમદાવાદ, સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ કાલુપુરની અરિહંત ગિફ્ટ એન્ડ કિચન શોપમાં દરોડા પાડીને ૯ લાખ રૂપિયાની પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો ઝડપી લીધો હતો.
ઇ-સિગારેટ સાથે ઝડપાયેલા ત્રણ સપ્લાયરો અમદાવાદના તમામ પોશ વિસ્તારા મોટા પાન પાર્લરો પર સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. શહેરમાં હુક્કાબાર બંધ થતાં હવે કાફેની આડમાં ચાલતા ગોરખધંધાના સેન્ટરો પર ઇ-સિગારેટનું ચલણ ખૂબ જ વધી ગયું છે. યુવાનો તો ઠીક પણ યુવતીઓના પર્સમાં પણ ઇ-સિગારેટ જોવા મળી રહી છે.
હવે મોટા ભાગના કાફે પોલીસ અધિકારીઓની ભાગીદારી કે રહેમનજર હેઠળ ચાલતા હોવાથી ત્યાં સ્થાનિક પોલીસ પગલાં લઇ શકતી નથી તેવી ચર્ચા પણ લોકમુખે સાંભળવા મળી રહી છે. કાલુપુર ઇ-સિગારેટ કેસની તટસ્થ તપાસ થાય તો ચોક્કસ મોટા ખુલાસા થવાની સંભાવના છે.કાલુપુર પોલીસ મથક નજીકથી મોનિટરિંગ સેલે દરોડા પાડીને ઇ-સિગારેટનો જથ્થો ઝડપી લીધો હતો.
આ જથ્થા સાથે મનોજ, ભરતજી અને રાકેશ નામના ત્રણ યુવકો ઝડપાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં જ તેમણે કબૂલાત કરી કે સેટેલાઇટ, જજીસ બંગ્લોઝ રોડ, સરગાસણ, પીડીપીયુ રોડ ગાંધીનગર તથા કોટ વિસ્તારના પાનના ગલ્લાઓ પર તેઓ ઇ-સિગારેટ સપ્લાય કરતા હતા. તેમણે જે તે વિસ્તારના ફેમસ પાનના ગલ્લાઓના નામ સાથેની વિગતો પોલીસને આપી છે, જે દિશામાં સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. અરિહંતના ત્રણ સંચાલકો ઝડપાયા પરંતુ કાલુપુરની ઘણી શોપમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનો વેપલો ચાલી રહ્યો છે.
જો કે હવે પોલીસે ઇ-સિગારેટનું સર્ચ શરૂ કર્યું છે.થોડા સમય પહેલાં જ પોલીસે સરખેજના હુક્કાબાર પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં ફલેવર અને હુક્કા કબજે લીધા હતા, જેની તપાસ ચાલી રહી છે.
ત્યારે જ સિંધુ ભવન રોડ પરના એક કાફેમાં લાંબા સમયથી હુક્કાબાર ચાલી રહ્યો છે. જોકે એક વિવાદાસ્પદ પોલીસ અધિકારીનો આ હુક્કાબાર પર ચારેય હાથ હોવાથી સ્થાનિક પોલીસ કે એજન્સીઓ દરોડા પાડતાં ડરી રહી હોવાની ચર્ચા છે.SS1MS