સમૂહ માધ્યમના વિદ્યાર્થીઓ માટે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત”ની થીમ પર “શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા” યોજાઈ

શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીના હસ્તે સન્માનિત કરાયા
શોર્ટ ફિલ્મ સ્પર્ધાના પરિણામે સમૂહ માધ્યમના વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે એક નવો સેતુ રચાયો : માહિતી નિયામકશ્રી
“વિકસિત ભારત, વિકસિત ગુજરાત”ની થીમ પર સમૂહ માધ્યમની સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે લઘુ ફિલ્મ નિર્માણ (શોર્ટ ફિલ્મ મેકિંગ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારની માહિતી નિયામકની કચેરી ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ “શોર્ટ ફિલ્મ સ્પર્ધા”માં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીના હસ્તે પુરુસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં “નારી” ફિલ્મ માટે સુ.શ્રી દેવાંશી વોરાને બેસ્ટ ડિરેક્ટર, “વિસરાતી લોકકલા: ભવાઈ” ફિલ્મ માટે સુ.શ્રી અંજલી દવેને બેસ્ટ સ્ક્રિપ્ટ રાઈટર, “સમરસ હોસ્ટેલ” ફિલ્મ માટે શ્રી ચેતન ઠાકોરને બેસ્ટ કેમેરા વર્ક, “ઈન્ડી. ટેક્નો.-મેક ઇન ઇન્ડિયા” ફિલ્મ માટે શ્રી હર્ષલ પટેલને બેસ્ટ વિડીયો એડિટર તેમજ “પ્રાકૃતિક કૃષિ” ફિલ્મ માટે શ્રી તુષાર ચૌહાણને માહિતી નિયામકશ્રીના હસ્તે પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને તેમને પ્રોત્સાહિત કરતા માહિતી નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, આ શોર્ટ ફિલ્મ સ્પર્ધાના પરિણામે સમૂહ માધ્યમના વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે એક નવો સેતુ રચાયો છે. જે માધ્યમથી વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની કાર્યપ્રણાલીને ખૂબ નજીકથી સમજી અને અનુભવી શક્યા છે. માહિતી નિયામકની કચેરી દ્વારા “વિકસિત ભારત @ ૨૦૪૭”ના વિઝનને ઉજાગર કરવા ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે આવા અનેકવિધ નવીન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ, સંયુક્ત માહિતી નિયામક શ્રી સંજય કચોટ, સંયુક્ત માહિતી નિયામક (ઈ.ચા.) શ્રી જયેશ દવે ઉપરાંત માહિતી નિયામક કચેરીની વિવિધ શાખાના નાયબ માહિતી નિયામકશ્રી સહિતના અધિકારીશ્રીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટી-પત્રકારત્વ વિભાગ તરફથી ડૉ. ભૂમિકા બારોટ તેમજ ગુજરાત વિદ્યાપીઠ-પત્રકારત્વ વિભાગ તરફથી ડૉ. મનીષ ભોઈ ઉપસ્થિત રહ્યા હતા.
વિજેતા વિદ્યાર્થીઓએ આ પ્રસંગે પોતાના પ્રતિભાવ, વિચારો અને અનુભવો સૌની સમક્ષ રજૂ કર્યા હતા.