મકાનમાં ચાલી રહેલા ACના ગોડાઉનમાં ભીષણ આગ: પાર્ક કરેલા વાહનો પણ સળગ્યા

(જૂઓ વિડીયો) રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી દેવાયું હતુ-મકાનમાં AC ગેસના બાટલાનો સંગ્રહ કરી રાખ્યો હતો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભીષણ આગની ઘટના બની છે. શહેરના જીવરાજ પાર્કમાં એસીના ગોડાઉનમાં આગ લાગી છે. જ્ઞાનદા સોસાયટીના મકાનમાં એસીના ગોડાઉનમાં આગ લાગી છે.
જેમાં ૨ વર્ષનું બાળક અને તેની માતા ફસાઈ હતી, જો કે બાળકી સહિત બે વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જીવરાજ પાર્કમાં આવેલા એક મકાનમાં એસી ગેસના બાટલાનો સંગ્રહ કરી રાખ્યો હતો, આગની ઘટના અંગેની જાણકારી મળતા જ ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.
આગ વધુ ફેલાતા પાર્ક કરેલા વાહનો પણ સળગી ઉઠ્યા હતા. આ આગની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. આગમાં બળી જવાથી મહિલાનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં આગ લાગવાની ઘટના બની હતી અને આ ઘટનાને પગલે આખી સોસાયટીમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. જેથી ટોરેન્ટ પાવરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ભીષણ ગરમી વચ્ચે ‘ભીષણ આગ’
અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક આગનો બનાવ
એક બાળક અને એક મહિલા મકાનમાં હોવાની શંકા
ACના જથ્થામાં આગ લાગી હોવાની આશંકા
મકાનનો ઉપયોગ ગોડાઉન તરીકે થતો હોવાનો ખુલાસો#ahmedabad #fire pic.twitter.com/BbubegdBv3— Bhavik Sudra (@BhavikSudra3) April 6, 2025
અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના બંગલામાં 6 એપ્રિલના રોજ સાંજના સમયે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી ભયંકર હતી કે, ACના નાના બાટલા ફૂટીને દૂર-દૂર સુધી ફેલાઈ ગયા હતા.
મકાનમાં AC ગેસના બાટલાનો સંગ્રહ કરી રાખ્યો હતો અને આગની ઘટના બાદ આસપાસના ઘરની બારીના કાચ પણ ફૂટી ગયા છે અને નુકસાન થયું છે. સ્થાનિકોએ કહ્યું કે રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી દેવાયું હતુ, સ્થાનિક સોસાયટીના લોકોએ અનેક વખત ચેરમેનને જાણ કરી હોવાનો પણ દાવો કર્યો છે. ચેરમેનને જાણ કરવા છતાં ગોડાઉન ખાલી ન કરાયું અને સોસાયટીના ચેરમેને મંજૂરી આપી હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે.
વેજલપુરના ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમને કહ્યું કે મકાનમાં ગેસના સિલિન્ડર હતા તે ફાટ્યા હતા. બે લોકો મકાનના પહેલા માળે ફસાયા હતા. સોસાયટીએ મકાન ખાલી કરવા નોટિસ આપી હતી. મકાન માલિકની બેદરકારી સામે આવી છે. લોકોની વાત ન માનતા મકાન માલિક ભોગ બન્યા છે, આવી ઘટનાઓમાં અગમચેતી રાખવી જોઈએ.
જો તંત્રની બેદરકારી હશે તો સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવીશુ. ઘરમાં આવા જોખમી સામાન રાખશો તો દુર્ઘટના સર્જાઈ શકે છે. બીજી તરફ અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલપાસે પણ આગનો બનાવ બન્યો છે. શોર્ટ સર્કિટના કારણે પતરાના શેડમાં આગ લાગી હતી. કપિરાજના કૂદવાના કારણે શેડમાં શોર્ટ સર્કિટ થયું હતું અને આગ લાગી હતી. જો કેફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે વાતચીતમાં જણાવ્યું હતું કે, જીવરાજ પાર્ક વિસ્તારમાં સોસાયટીમાં આગ લાગવાની ઘટનાનો મેસેજ મળતાની સાથે જ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના થઈ અને ફાયરકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા. એસી રિપેરિંગ માટે જે નાના ગેસના બાટલા રાખવામાં આવ્યા હતા તે ફૂટી રહ્યા હતા.
આગને બુઝાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પાણીનો મારો ચલાવી અને આગળના ભાગે તરત જ આગની જ્વાળાઓ બુઝાવી દેવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ કહ્યું હતું કે, ઉપરના માળે પરિવારના સભ્યોમાં નાનું બાળક અને તેની માતા હાજર છે.
જેથી, તરત જ તેઓ પોતાના સ્ટાફ સાથે આગ ચાલુ હોવા છતાં પણ ઉપરના માળે દોડી ગયા હતા અને જ્યારે જોયું ત્યારે એક બાળક બેડરૂમમાં હતું. જેથી, તેઓએ તરત જ બાળકને પોતાના હાથમાં ઉપાડી લીધું હતું. તેનો જીવ બચાવવા માટે તરત જ તેને તેડીને નીચે લઈને આવ્યા હતા.
108 એમ્બ્યુલન્સમાં તેને લઈ જવાનું હતું પરંતુ, રોડ ઉપર લોકોની ભીડ અને ટ્રાફિક થયો હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર આવી શકી નહોતી, જેના કારણે તેને પંકજ રાવલ દોડીને 108 એમ્બ્યુલન્સ સુધી દોડીને તેઓ લઈ ગયા હતા અને સૌપ્રથમ તેનો જીવ બચે તેના માટેના પ્રયત્ન કર્યા હતા અને તેને હોસ્પિટલ રવાના કર્યો હતો.