૮૩૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ તમિલનાડુમાં લોન્ચ કરાયાઃ પંબન પુલ મુસાફરીને સરળ બનાવશે

દક્ષિણ ભારતનો પોષાક ધોતી પહેરીને PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા -વિકસિત ભારત તરફની સફરમાં તમિલનાડુની મોટી ભૂમિકાઃ મોદી –
ચેન્નઈ, વડાપ્રધાન મોદીએ કહ્યું, મને ખુશી છે કે રૂ. ૮૩૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ આજે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ભારત રત્ન ડૉ. કલામની ભૂમિ છે. અહીંનો પંબન પુલ ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. આ ૨૧મી સદીમાં એન્જિનિયરિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. પંબન પુલ મુસાફરીને સરળ બનાવશે. આ ભારતનો પહેલો વર્ટિકલ સી બ્રિજ છે, જેના પર ટ્રેનો પહેલા કરતા વધુ ઝડપથી દોડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રામ નવમી નિમિત્તે તમિલનાડુના રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. થાઇલેન્ડ અને શ્રીલંકાની ૩ દિવસની મુલાકાત બાદ પીએમ મોદી સીધા રામેશ્વરમ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ રામેશ્વરમમાં ૮,૩૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન તેમણે એક જાહેર સભાને પણ સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે રામ નવમી છે. ભગવાન રામની પ્રેરણા રાષ્ટ્ર નિર્માણનો પાયો છે.
વડાપ્રધાને કહ્યું કે આજે અયોધ્યામાં સૂર્યના કિરણોએ રામલલાને ભવ્ય તિલક લગાવ્યું છે. તમિલનાડુના સાહિત્યમાં પણ ભગવાન રામનો ઉલ્લેખ જોવા મળે છે. રામેશ્વરમની આ પવિત્ર ભૂમિ પરથી, હું મારા બધા દેશવાસીઓને રામ નવમીની શુભકામનાઓ પાઠવું છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું, મને ખુશી છે કે રૂ.૮,૩૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ આજે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ભારત રત્ન ડૉ. કલામની ભૂમિ છે. અહીંનો પંબન પુલ ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. આ ૨૧મી સદીમાં એન્જિનિયરિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. પંબન પુલ મુસાફરીને સરળ બનાવશે. આ પુલ ટેકનોલોજી અને વારસાનું મિશ્રણ છે.
પીએમ મોદીએ તમિલ ભાષા અંગે પહેલી વખત નિવેદન આપ્યું. પીએમએ કહ્યું કે હું તમિલનાડુ સરકારને કહેવા માંગુ છું કે તમિલ ભાષામાં મેડિકલ કોર્ષ શરૂ કરે જેથી ગરીબ પરિવારોના દીકરા-દીકરીઓ જે અંગ્રેજી નથી જાણતા તેઓ પણ ડોક્ટર બની શકે. પીએમએ કહ્યું કે ક્્યારેક મને આશ્ચર્ય થાય છે જ્યારે તમિલનાડુના કેટલાક નેતાઓના પત્રો મને પહોંચે છે. કોઈ પણ નેતા ક્્યારેય તમિલ ભાષામાં સહી કરતા નથી.
તમિલ પર ગર્વ કરો, ઓછામાં ઓછું તમિલમાં સાઇન કરો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ બાદ આજે શ્રીલંકાથી પરત ફર્યા છે. શ્રીલંકાથી પરત ફર્યા બાદ તેઓ સીધા તમિલનાડુ પહોંચ્યા હતા. અહીં તેઓએ રામ નવમીના અવસર પર ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પંબન પુલની માંગ ઘણા સમયથી હતી.
ભગવાન રામની નગરી અયોધ્યા, કૃષ્ણની નગરી દ્વારકા, મહાકાલની નગરી ઉજ્જૈન કે પછી માતા વૈષ્ણોની નગરી કટરા હોય, આ બધી જગ્યાઓથી શ્રદ્ધાળુઓ સીધા રેલ માર્ગે રામેશ્વરમ પહોંચી શકે તેવા ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિકોણ સાથે આ પંબન બ્રિજ બનાવાયો છે. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે રામેશ્વરમ ટાપુને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડે છે. પંબન બ્રિજનું હૃદય ૭૨.૫ મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પેન છે.
જે સમયે કોઈ સમુદ્રી જહાજો આવે ત્યારે આ બ્રિજ ઉંચો ઉચકાશે. પહેલાં તેને ઉપાડવામાં લગભગ એક કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે આ કામ માત્ર પાંચ મિનિટમાં થઈ જશે. ખાસ વાત એ છે કે આ માટે માનવબળની જરૂર પણ નહીં પડે.
‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત નવા પંબન બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે લાંબા સમય સુધી સુરક્ષિત રીતે ટકી શકશે. રેલવેના પ્રવક્તા દિલીપ કુમારે જણાવ્યું કે, જૂના પુલને ખોલવામાં સામાન્ય રીતે ૪૫ મિનિટથી ૧ કલાકનો સમય લાગતો હતો, જ્યારે નવા પુલને માત્ર ૫ મિનિટમાં ખોલી શકાય છે અને ૩ મિનિટમાં બંધ પણ કરી શકાય છે.
પંબન બ્રિજની ખાસિયત એ છે કે આ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે. એટલે કે કોઈ બિલ્ડીંગમાં લિફ્ટ જેમ ઉપર-નીચે આવે છે એમ જ આ બ્રિજ ઉપર અને નીચે હેર-ફેર કરી શકે છે.