બોપલ-ઘુમામાં નર્મદાનું પાણી દૈનિક 4 કલાક AMC સપ્લાય કરશે

પ્રતિકાત્મક
હવે ઔડાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોપલ-ઘુમામાં નર્મદાના નીર સપ્લાય કરશે-સવારે ત્રણ કલાક અને સાંજે એક કલાક નર્મદાનું પાણી મળશે
હાલ નાગરિકોને ઔડા દ્વારા પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે.-ઔડાના હયાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદમાં સમાવિષ્ટ બોપલ અને ઘુમાં વિસ્તારમાં વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઔડાએ તૈયાર કર્યું છે. હાલ નાગરિકો ને ઔડા ઘ્વારા પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. પરંતુ ઔડાને આ પાણી મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા પૂરું પાડવામાં આવે છે. તેથી હવે, મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા જ નાગરિકો ને ડાયરેક્ટ બોપલ અને ઘુમા વિસ્તારમાં પાણી સપ્લાય કરવામાં આવશે.
મ્યુનિ. વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપ બગરિયા ના જણાવ્યા મુજબઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્રારા બોપલ વિસ્તારમાં પાણીની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખી રૂ. 68.88 કરોડના ખર્ચે 173 લાખ લીટર ક્ષમતાની પંપહાઊસ સાથેની ભૂગર્ભ ટાંકી અને અલગ અલગ ક્ષમતાની જુદી જુદી જગ્યાએ કુલ છ ઑવરહેડ ટાંકી (કુલ 153 લાખ લીટર ક્ષમતાની) બનાવવામાં આવી છે.
ભૂગર્ભ ટાંકી થી ઑવરહેડ ટાંકી ભરવા માટે રાઈઝીંગ લાઈન તથા દરેક ઑવરહેડ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાંખવામાં આવ્યા છે. ભૂગર્ભ ટાંકીમાં પાણી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પુરુ પાડવામાં આવે છે.
ઔડા દ્રારા પાણીના જોડાણો આપી પાણી વિતરણ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. અને દરરોજ 120 થી 130 લાખ લીટર પાણી વિતરણ કરવામાં આવે છે. અને હાલમાં બોપલ વિસ્તારમાં પાણીના જોડાણો, પાણી વિતરણ વ્યવસ્થા અને મેન્ટેનન્સની કામગીરી ઔડા દ્રારા કરવામાં આવે છે.